મુંબઈગરાંને ગરમીમાંથી મળશે રાહત, આવનારા દિવસોમાં શહેરમાં વરસાદની શક્યતા

20 February, 2024 09:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai Weather Updates : હવામાન વિભાગે મુંબઈમાં વાદળછાયા વાતાવરણની આગાહી કરી

ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)માં છેલ્લા બે દિવસથી જે ગરમી પડી રહી છે તેનાથી રાહત મળવાની આશા છે. આગામી થોડા દિવસો સુધી શહેરના તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. એટલું જ નહીં, શહેરમાં હળવા વરસાદની શક્યતા (Mumbai Weather Updates) હવામાનશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

મંગળવારે ૧૯ ફેબ્રુઆરીએ, પ્રાદેશિક હવામાન વિભાગ (Regional Meteorological Department)એ તેની કોલાબા વેધશાળા (Colaba observatory)માં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું છે. જ્યારે, સાંતાક્રુઝ વેધશાળામાં (Santacruz observatory) મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

મુંબઈમાં મંગળવારે તાપમાન ગત સપ્તાહ કરતાં ઓછું હતું. રવિવારે એટલે કે, ૧૮ ફેબ્રુઆરીએ કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝ વેધશાળામાં ૩૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department - IMD) મુંબઈ વિભાગે આ માહિતી આપી હતી.

IMD મુંબઈએ તેના હવામાનની આગાહીના અહેવાલમાં શહેરમાં ૨૧ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને ૨૨ ફેબ્રુઆરીએ ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. લઘુત્તમ તાપમાન અનુક્રમે ૨૦ ડિગ્રી સેલ્સિયસ અને ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ આકાશ આંશિક વાદળછાયું રહેવાની આગાહી છે. જોકે, IMD મુંબઈએ આગામી દિવસોમાં શહેરમાં વરસાદની આગાહી કરી નથી.

જોકે, સ્વતંત્ર હવામાનશાસ્ત્રીઓએ શહેરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ૨૧ થી ૨૩ ફેબ્રુઆરીની વચ્ચે વરસાદ પડશે.

વેધર ઈન્ટરપ્રિટરે સમજાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બદલાતી તીવ્રતા વરસાદની સંભાવનાનું મુખ્ય કારણ હોઈ શકે છે અને ઉચ્ચ ભેજ (નજીક ૧૦૦ ટકા) ૨૧-૨૨ ફેબ્રુઆરીના મધ્યરાત્રિના કલાકોમાં નજીક વરસાદની સંભાવના બનાવે છે.

દરમિયાન, ગયા વર્ષે ૧૯ ફેબ્રુઆરીના રોજ, મુંબઈએ સીઝનનો સૌથી ગરમ ફેબ્રુઆરી દિવસ નોંધ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન ૩૭.૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હતું.

આ શિયાળાની મોસમમાં, મુંબઈમાં તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જોવા મળ્યું હતું. ૨૩ જાન્યુઆરી, મંગળવારના રોજ મુંબઈમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો, કારણ કે ત્યારે તાપમાન ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જે આ શિયાળામાં નોંધાયેલું સૌથી ઓછું તાપમાન છે.

મુંબઈવાસીઓએ ગયા મહિને શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું.

હવે આવનારા દિવસોમાં મુંબઈમાં હવામાન કેવો વળાંક લેશે તે જોવા જેવું રહેશે. ઠંડીની ઋતુ જવાની તૈયારીમાં છે ત્યારે મુંબઈકર્સ ખરેખર ઠંડક અનુભવશે કે પછી વાતાવરણમાં કંઈક અણધાર્યો પલટો થશે. જોકે, સમય જ કહેશે કે આગામી દિવસોમાં મુંબઈનું વાતાવરણ કેવું રહેશે.

Weather Update mumbai weather mumbai rains mumbai monsoon indian meteorological department mumbai mumbai news