30 December, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બપોરે બે વાગ્યે બાંદરા-ઈસ્ટમાં ખેરવાડી વિસ્તારમાં સારું એવું ધુમ્મસ હતું (તસવીર : આશિષ રાજે)
હજી પાંચેક દિવસ પહેલાં મુંબઈમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૩૦થી ૧૪૦ની વચ્ચે હતો જેનો મતલબ એવો થાય છે કે મુંબઈની હવા થોડી ખરાબ હતી, પણ એમાં વધારો થઈને હવે AQI ૧૯૮ સુધી પહોંચી ગયો છે એટલે કે ખરાબ હવાની શ્રેણી સુધી પહોંચી ગયો છે. જોકે આ બધામાં ચોંકાવનારી વાત એ છે કે દેશમાં સૌથી પ્રદૂષિત હવા જ્યાંની ગણાય છે એ દિલ્હીમાં અત્યારે મુંબઈ કરતાં હવાની ક્વૉલિટી સારી છે. ટૂંકમાં કહીએ તો દિલ્હીનો AQI ૧૬૮ પર છે.
હવામાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એને કાબૂમાં લાવવા માટે પગલાં લેવાનાં શરૂ કરી દીધાં છે, પણ એની ખાસ કંઈ અસર થતી હોય એવું અત્યારે તો નથી લાગી રહ્યું. હવે આવતી કાલે થર્ટી-ફર્સ્ટ હોવાથી મોટી સંખ્યામાં ફટાકડા ફૂટવાના હોવાથી મુંબઈની હવા બદથી બદતર થવાની ભારોભાર શક્યતા છે. આ જ કારણસર મુંબઈગરાઓને નવા વર્ષની શરૂઆતમાં એનાથી રાહત મળે એવું નથી લાગી રહ્યું.
ગઈ કાલે મુંબઈની હવા સુધરવાને બદલે વધુ બગડી હતી. શનિવારે જે AQI ૧૯૨ હતો એ વધીને ૧૯૮ થઈ ગયો છે. સૌથી ખરાબ હવા દક્ષિણ મુંબઈમાં કોલાબા, વરલી અને ભાયખલ્લામાં હતી જ્યાં હવાની ક્વૉલિટી બહુ ખરાબ થઈ ગઈ હતી.
અત્યારે મુંબઈની હવા બગડવાનાં કારણોમાં ખાડીના દેશોમાં ડેવલપ થઈ રહેલી ધૂળની આંધી છે. જોકે હવામાન ખાતું હજી આ ધૂળના તોફાનને મુંબઈની ખરાબ થઈ રહેલી હવા સાથે લિન્ક કરવા તૈયાર નથી. એનું કહેવું છે કે એના માટે વધારે સ્ટડીની જરૂર છે. વેધર બ્યુરોના ડિરેક્ટર સુનીલ કાંબળેએ કહ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં દરિયાના પવનોને લીધે પ્રદૂષણ ફેલાવતા રજકણો દૂર થઈ જતા હોય છે, પણ અત્યારે પવન ન હોવાથી એણે ધુમ્મસની ચાદર બનાવી દીધી છે. આ સિવાય કન્સ્ટ્રક્શનની ધૂળ, વાહનોનું પ્રદૂષણ, કચરો બાળવા જેવા ફૅક્ટરો પણ પ્રદૂષણમાં વધારો કરે છે.
કેવા AQIની કેવી અસર?
૦-૫૦ : સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ : સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ : થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ : ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ : બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર : સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.
ક્યાં હતી સૌથી ખરાબ હવા?
કોલાબા : ૩૧૬
ભાયખલા : ૩૦૦
વરલી : ૨૯૬
બોરીવલી-ઈસ્ટ : ૨૭૪
મલાડ-વેસ્ટ : ૨૭૪
બાંદરા-ઈસ્ટ : ૨૪૬
ગોવંડી : ૨૩૧
માઝગાવ : ૨૨૭