03 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઈ કાલે કેટલાક વિસ્તારમાં સાંજના સમયે હળવો વરસાદ પડ્યો હતો. આવી જ રીતે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આથી મુંબઈગરાઓને ગરમીમાં થોડી રાહત મળશે. ગઈ કાલે સાંજ સુધી આકાશમાં વાદળ છવાયેલાં રહેવાની સાથે હવાની ગતિ એકદમ મંદ થઈ ગઈ હતી જેને લીધે સખત બફારો અનુભવાયો હતો.
હવામાન વિભાગનાં અધિકારી સુષમા નાયરના જણાવ્યા મુજબ ઉત્તર અને દક્ષિણના પવનની દિશા બદલાઈ જવાથી બંગાળની ખાડી પર ભેજમાં વધારો થયો છે જેને કારણે હવામાન વાદળછાયું બન્યું છે. ૪ એપ્રિલ સુધી આવું જ વાતાવરણ રહેશે. મુંબઈ ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો વરસાદ થવાની સાથે વીજળી પણ થશે. હવાની ગતિ ૩૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.’
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે કોલાબામાં ૩૩.૫ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૭.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ હતું એટલે સવારથી સાંજ સુધી ખૂબ બફારો રહ્યો હતો. એને લીધે મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. જોકે સાંજે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાથી ગરમી અને બફારામાં થોડી રાહત અનુભવાઈ હતી.