25 August, 2024 09:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)એ રવિવારે મુંબઈ અને તેની નજીકના ઉપનગરોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી (Mumbai Weather) કરી છે. હવામાન વિભાગની વેબસાઇટ પર જણાવાયું છે કે, “શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદની સંભાવના સાથે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે. અવારનવાર તોફાની પવનો 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.”
ભારતીય હવામાન વિભાગે રવિવાર અને સોમવારે કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ (Mumbai Weather) જાહેર કર્યું છે. ઑરેન્જ ઍલર્ટ 24 કલાકમાં 64.5 મીમીથી વધુ ભારે વરસાદની ચેતવણી આપે છે, જે સંભવિત રીતે સામાન્ય જીવનને ખોરવી નાખે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું કારણ બને છે.
ભારતીય હવામાન વિભાગના નવીનતમ અપડેટ્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં રવિવારે સવારે 8 વાગ્યા સુધી મુંબઈ શહેર (Mumbai Weather)માં 46.4 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ઉપનગરોમાં 82.6 મીમી વરસાદ નોંધાયો છે. પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને ઉત્તર-પૂર્વ ઝારખંડના નજીકના વિસ્તારો અને મહારાષ્ટ્રના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરનો એક નીચા દબાણનો વિસ્તાર આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લાવશે, એમ આઈએમડીના એક વૈજ્ઞાનિકે પીટીઆઈને જણાવ્યું હતું.
વરસાદે મુંબઈકરોને ગરમીમાંથી ખૂબ જ જરૂરી રાહત આપી છે કારણ કે શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 29 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે, “આગામી ત્રણ-ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં ક્રમશઃ 3-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. મહારાષ્ટ્ર પ્રદેશમાં પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.”
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) મુજબ, શનિવારે બપોરે 3.37 વાગ્યે મુંબઈમાં લગભગ 4 મીટરની ઊંચી ભરતી આવવાની ધારણા છે. નાગરિક સંસ્થાએ એમ પણ જણાવ્યું હતું કે રાત્રે 9.47 વાગ્યે લગભગ 0.85 મીટરની નીચી ભરતીની અપેક્ષા છે.
દરમિયાન મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવો: તુલસી, વેહાર, તાનસા, મોડક સાગર, ભાતસા, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાં રવિવાર સુધીમાં 13,78,877 લિટર ઉપયોગી પાણીનો જથ્થો છે. ગયા વર્ષે 25 ઑગસ્ટના રોજ નોંધાયેલા 12,39,541 લિટર કરતાં આ ઘણું વધારે છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે દીવાલ/ઘર ધરાશાયી થવાના પાંચ બનાવો અને વૃક્ષ ધરાશાયી થવાના 29 બનાવો નોંધાયા છે. તેવી જ રીતે શહેરમાં છેલ્લા 24 કલાકમાં શોર્ટ સર્કિટના 16 કેસ નોંધાયા છે. આ ઘટનાઓની માહિતી મળતાં સત્તાધીશો એક્શનમાં આવી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ ઘટનાઓમાં કોઈ જાનહાના સમાચાર મળ્યા નથી.