28 March, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહદમુંબઈ મહાનગર પાલિકા – બીએમસી (Brihanmumbai Municipal Corporation – BMC)એ મુંબઈગરાંને ખુશ કરતા સમાચાર આપ્યા છે. BMCએ મંગળવારે જાહેર કર્યું કે ડેમમાં પૂરતો પાણીનો સંગ્રહ હોવાથી નાગરિક સંસ્થાનો શહેરમાં પાણી કાપ કરવાનો કોઈ ઈરાદો નથી. BMC તરફથી એક રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યએ શહેર માટે અનામત સ્ટોકમાંથી પાણી ઉપલબ્ધ કરાવ્યું છે.
પાલિકાના અધિકારીઓએ ધ્યાન દોર્યું હતું કે, જૂન અને સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ઓછા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીના સંગ્રહમાં ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ શહેરનાં પાણી પુરવઠા પર તેની અસર પડશે નહીં. ચોમાસાના આગમન સુધી પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તે રીતે નાગરિક સંસ્થાએ પુરવઠાનું આયોજન કર્યું છે. જોકે મ્યુનિસિપલ પ્રશાસને નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.
શહેરના પાણી પુરવઠાની સમીક્ષા કરવા માટે મંગળવારે સિવિક બોડીના હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અગાઉ, બીએમસીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારે વૈતરણા (Vaitarna) અને ભાતસા (Bhatsa) ડેમના અનામત સ્ટોકમાંથી પાણી છોડવાની નાગરિક સંસ્થાને ખાતરી આપ્યા પછી તે શહેર માટે સૂચિત ૧૦ ટકા પાણી કાપ લાગુ કરશે નહીં. શહેરને પાણી પુરૂ પાડતા સાત તળાવોમાં પાણીનો જથ્થો અગાઉ ૫૦ ટકાથી નીચે જતાં બીએમસીએ કાપ લાદવાનો નિર્ણય લીધો હતો. પાલિકાના જણાવ્યા મુજબ, ૨૬ માર્ચના રોજ, તળાવોના ઉપયોગી પાણીના સ્ટોકની ટકાવારી ૩૧.૯% હતી, જે આ જ સમય દરમિયાન વર્ષ ૨૦૨૩માં માં ૩૮.૫% અને વર્ષ ૨૦૨૨માં ૪૧.૫% હતી.
પાલિકાએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ વહીવટીતંત્ર ડેમમાં ઉપલબ્ધ પાણીના સંગ્રહ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને પાણીનો સંયમપૂર્વક અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. અહેવાલોનું માનીએ તો મુંબઈને પાણી પૂરું પાડતા સાત ડેમમાં પાણીનું સ્તર ઘટીને ૩૨.૩૨ ટકા થઈ ગયું છે અને આ પાણી માત્ર દોઢથી બે મહિના પૂરતું જ રહેશે. જો જૂનમાં પૂરતો વરસાદ ન થાય તો, નાગરિક સંસ્થાને જુલાઈ સુધી પાણી પૂરું પાડવા માટે સખત પડકારનો સામનો કરવો પડશે, પરિણામે શહેરમાં પાણી કાપ આવશે.
અગાઉ પહેલી માર્ચના રોજ, BMCએ જાહેરાત કરી હતી કે નાગરિકોને ૧૦ ટકા પાણી કાપનો સામનો કરવો પડશે નહીં કારણ કે રાજ્ય સરકારે તેના ક્વોટામાંથી મહાનગરને પાણી પૂરું પાડવાનું વચન આપ્યું છે.
બાદમાં, નાગરિક સંસ્થાએ ૧૯ માર્ચે મુંબઈમાં ૧૫ ટકા પાણી કાપની જાહેરાત કરી હતી. આમ રિપેરિંગ કામોનેપગલે પીસે ડેમમાં પાણીની અછતને કારણે પાણી કાપની જાહેરાત કરવામાં આવી હતી. નાગરિક સંસ્થાએ સમગ્ર મુંબઈ શહેરમાં ૨૪ કલાક માટે પાણી કાપ લાદી દીધો હતો. આ ૧૫ ટકાનો કાપ ભાંડુપ સંકુલમાં ચોમાસા પૂર્વે જાળવણીના કામને કારણે ૨૪ એપ્રિલ સુધી લાગુ કરવામાં આવેલા ૫ ટકા પાણી કાપ ઉપરાંત હતો. આ અઠવાડિયેએક નવી જાહેરાતમાં, તેણે ફરી એકવાર ખાતરી આપી છે કે શહેરને પાણી પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવોપડશે નહીં.
નોંધનીય છે કે, મુંબઈને તેનો દૈનિક પાણીપુરવઠો સાત અલગ-અલગ સરોવરોમાંથી મળે છે. તાનસા, ભાતસા, મોડક સાગર, તુલસી, વિહાર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણા - આમાંના મોટા ભાગના તળાવો મુંબઈની બહાર અને પડોશી થાણે અને નાસિક જિલ્લામાં આવેલા છે.