28 May, 2024 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર
બીએમસી દ્વારા ફરીથી અમુક વિસ્તારો માટે પાણીકાપ (Mumbai Water Cut)ની સૂચના આપવામાં આવી છે. આવતીકાલે ચોવીસ કલાક માટે એમ પૂર્વ અને એમ પશ્ચિમ એ બંને વોર્ડની આસપાસ પાણી પુરવઠો બંધ રહેશે એવી માહિતી આપવામાં આવી છે.
એમ પૂર્વ વોર્ડ એટલે કે તિલક નગર-ચેમ્બુર અને દેવનાર અનુશક્તિ નગર-ગોવંડી-માનખુર્દ સિવિક વોર્ડની આસપાસના વિસ્તારો માટે આ સૂચના છે. જ્યાં આવતીકાલે એટલે કે બુધવારે સવારે 10 વાગ્યાથી ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી 24 કલાક માટે પાણી પુરવઠો કરવામાં નહીં આવે.
કયું કામ હાથ ધરવામાં આવ્યું છે?
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાશી નાકા ખાતે આવેલ મહત્વની પાઈપલાઈનમાં કનેક્શન કાર્ય કરવાના કારણોસર આ નિર્ણય લીધો છે. આ કામમાં પાટીલ માર્ગ, વાશી નાકા ખાતે 450 એમએમ વ્યાસની અને 750 એમએમ વ્યાસની પાણીની નવી લાઈનોને નાખવામાં આવનાર છે. આ જરૂરી સ્ટ્રક્ચરલ કરી અમુક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સારી બનાવવાનો પર્યટન કરવામાં આવનાર છે.
આ કામ દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે એ માટે એમ પૂર્વ અને એમ પશ્ચિમ વોર્ડના વિસ્તારોને 24 કલાક પાણી પુરવઠો નહીં (Mumbai Water Cut) થઈ શકે.
આ વિસ્તારોમાં પાણી પુરવઠો થશે નહીં
એમ પૂર્વના વિસ્તારો જેવા કે લક્ષ્મી વસાહત, રાણે ચાલ, નિત્યાનંદ બાગ, ટોળારામ વસાહત, શ્રીરામ નગર, જે.જે. વાડી, શેઠ હાઈટ્સ, ડોંગરે પાર્ક, ટાટા કોલોની, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બિપીસીએલ) કોલોની, હપીસીએલ કોલોની, ગાવણપાડા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) રિફાઈનરી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ટાટા પાવર થર્મલ પ્લાન્ટ, બીએઆરસી, અને વરૂણ બેવરેજિસ વગેરેમાં 24 કલાક પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) રહેશે.
એ જ રીતે એમ પશ્ચિમના મહુલ ગામ, અંબાપાડા, જીજામાતા નગર, વાશી નાકા, મૈસુર કોલોની, ખાડી મશીન, આર.સી. માર્ગ, શાહાજી નગર, કલેક્ટર કોલોની, સિંધિ કોલોની, લાલડુંગર, સુભાષ ચંદ્ર બોઝ નગર, નવજીવન સોસાયટી, અને ઓલ્ડ બેરેક ચેમ્બુર કેમ્પમાં પણ તેવી જ સ્થિતિ હશે.
બીએમસીએ કરી છે આ અપીલ
આ સાથે જ બીએમસીએ રહેવાસીઓને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન પાણીનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી રાખવો. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. મુંબઈકરોએ ગભરાવાનું કોઈ કારણ નથી. બસ, તમામ નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા નમ્રતાપૂર્વક અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ સિવિક બોડીએ ઉમેર્યું હતું કે મુંબઈના લોકોએ પાણી બચાવવાના પગલાં અપનાવવા જોઈએ, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને મ્યુનિસિપલ વહીવટીતંત્રના પ્રયાસો સાથે સહકાર આપવો જોઈએ.
મુંબઈમાં ક્યારે થશે મોન્સુન એન્ટ્રી?
Mumbai Water Cut: આ પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે મુંબઈમાં 10મી જૂનથી વરસાદ શરૂ થઈ જશે. જોકે, મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી વિશે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એને કારણે મુંબઈગરાઓને પાણી સાચવીને વાપરવા ભલામણ કરવામાં આવે છે. સંતોષકારક અને પૂરતો વરસાદ ન થાય અને જળાશયો જરૂરી માત્રામાં પાણીથી ભરાઈ ન જાય ત્યાં સુધી પાણીના પુરવઠામાં વિક્ષેપ અમલમાં રહેશે.