midday

પનવેલ-વસઈ લોકલ કૉરિડોર બોરીવલી અને વિરાર સુધી લંબાવવામાં આવશે

25 March, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ પનવેલથી નવું બની રહેલું નવી મુંબઈ ઍરપોર્ટ નજીક છે. એથી ભવિષ્યમાં એ કનેક્ટિવિટી મળી રહે ‍એ માટે પણ આ કૉરિડોર મહત્ત્વનો સાબિત થશે
મુંબઈ લોકલ ટ્રેન

મુંબઈ લોકલ ટ્રેન

વિરારથી બોરીવલીની વચ્ચે રહેતા લોકોને હવે સીધી પનવેલની લોકલ મળી શકે એવી ગોઠવણ થઈ રહી છે. મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC)એ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) 3B પ્રોજેક્ટ હેઠળ પનવેલ-વસઈ લોકલ કૉરિડોરને વસઈથી બોરીવલી અને વિરાર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. એથી બોરીવલીથી પનવેલ જવા ભવિષ્યમાં સીધી લોકલ મળતી થશે.

અત્યારે વિરાર કે બોરીવલીથી પનવેલ ગોરેગામ કે બાંદરાથી વડાલા થઈને જવું પડે છે અથવા વેસ્ટર્ન રેલવેમાં દાદર, ત્યાંથી સેન્ટ્રલ રેલવેમાં કુર્લા અને એ પછી હાર્બર લાઇનની પનવેલની ટ્રેન પકડવી પડે છે. નવા પનવેલ-વસઈ કૉરિડોર હેઠળ વસઈથી દિવા અને ત્યાંથી પનવેલ સુધી એક જ ટ્રેનમાં જઈ શકાશે. 

ન્યુ પનવેલથી નવું બની રહેલું નવી મુંબઈ ઍરપોર્ટ નજીક છે. એથી ભવિષ્યમાં એ કનેક્ટિવિટી મળી રહે ‍એ માટે પણ આ કૉરિડોર મહત્ત્વનો સાબિત થશે. MUTP-3B હેઠળના આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ૫૦:૫૦ ટકા ફન્ડિંગ છે. નવા પનવેલ-વસઈ કૉરિડોરનો ડીટેલ પ્રોજેક્ટ-રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને આ સંદર્ભે રાજ્ય સરકાર સાથે પ્રાથમિક બેઠકો પણ પાર પડી ગઈ છે. મુંબઈ મેટ્રો​પૉલિટન રીજન (MMR)ના રહેવાસીઓનો પ્રવાસ ઝડપી બને એ માટે રાજ્ય સરકાર તરફથી પણ પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો છે. રાજ્ય સરકાર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં MMRને વધુ પ્રાધાન્ય આપી રહી છે.

virar borivali panvel vasai mumbai railways mumbai railway vikas corporation indian railways mumbai metropolitan region development authority mumbai news mumbai news