02 May, 2023 09:15 AM IST | Mumbai | Dipti Singh
ફાઇલ તસવીર
મુંબઈ યુનિવર્સિટી (એમયુ)એ થર્ડ યર બૅચલર ઑફ આર્ટ્સ (ટીવાયબીએ)ના સાઇકોલૉજીનું રિઝલ્ટ જાહેર કર્યું, જેથી પ્રોફેસરો અને ઇવૅલ્યુએટર્સ સાવ ચોંકી ઊઠ્યા હતા. જો તમે આ સ્ટ્રીમના સ્ટુડન્ટ હો અને તમને ૧૦૦માંથી ૧૦૦ માર્ક આવ્યા હોય કે પછી ઝીરો આવ્યા હોય તો બહુ ખુશ ન થતા કે ન સાવ હતાશ થતા, કારણ કે આ રિઝલ્ટને રદ ગણવાની માગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનો આખો બૅચ અથવા ચિપલૂણ, ખોપોલી, શહાપુર અને ઉલ્હાસનગરની મોટા ભાગની કૉલેજોના વિદ્યાર્થીઓને ફેલ દર્શાવાયા હતા. શહેરની કૉલેજોમાં પણ ઘણા વિદ્યાર્થીઓના માર્ક ઝીરો હતા, તો ઘણા વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ અને ૧૦૦માંથી ૯૯ માર્ક મળ્યા હતા. મુંબઈ યુનિવર્સિટીએ શનિવારે રાતે ૧૧ વાગ્યે પરિણામ જાહેર કર્યું હતું. શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે ઇન્ટર્નલ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલા માર્ક, ફાઇનલ માર્કશીટમાં ઉમેરવામાં પણ એમયુ નિષ્ફળ રહી છે.
એક પ્રોફેસરે કહ્યું કે ‘ઠાકુર રામનારાયણ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં બે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગેરહાજર હતા, પરંતુ તેમને એ દિવસે લેવાયેલી પરીક્ષાના માર્ક આપવામાં આવ્યા હતા. એથી ઊલટું પણ થયું છે કે વિદ્યાર્થીઓ હાજર હોવા છતાં તેમને ગેરહાજર દર્શાવાયા હતા!’
અન્ય શિક્ષકે જણાવ્યું કે ‘ઍબ્નૉર્મલ સાયકોલૉજી’ વિષયમાં કેટલાક વિદ્યાર્થીઓને ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સર આપવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને બે અને ઝીરો આપવામાં આવ્યા છે. સાયકોલૉજી જેવા થિયરી સબ્જેક્ટમાં કોઈ પૂરા માર્ક મેળવી શકે નહીં અને સાવ ઝીરો માર્ક પણ એમાં ન આવે. વિદ્યાર્થીઓ કંઈ પણ ન લખે અને ઝીરો માર્ક આવે એ અશક્ય છે. આ ઉપરાંત ઇન્ટર્નલ/પ્રૅક્ટિકલ પરીક્ષાઓ માટે ૨૦ માર્ક છે અને લાગી રહ્યું છે કે એ ઉમેરવામાં નથી આવ્યા. આ મુદ્દાની પ્રોફેસરો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે કોઈને ઝીરો કે ૧૦૦ માર્ક્સટ અપાયા નથી. જે વિદ્યાર્થીઓને ૧૦૦ અને ૯૦ માર્ક્સમ મળ્યા છે તેમનો સ્કોર અનુક્રમ ૫૮૦ અને ૫૭૦ છે, જે ગોલ્ડ મેડલિસ્ટનો પણ નથી હોતો.’
જોકે શિક્ષકો આ સમસ્યાના નિરાકરણ માટે પરીક્ષા વિભાગનો સંપર્ક કરી ચૂક્યા છે, પરંતુ ગૂંચવણ હજી ઉકેલાઈ નથી.
દર વર્ષે પરિણામની જાહેરાત સંદર્ભે સમસ્યા સર્જાતી રહે છે ત્યારે આ વર્ષ આવા કન્ફ્યુઝનથી છલકાતું રહ્યું છે. તાજેતરમાં એમયુ સાથે સંલગ્ન વિવિધ કૉલેજોના ત્રીજા વર્ષના બિઝનેસ મૅનેજમેન્ટ સ્ટડીઝ (બીએમએસ) તથા એલએલબી (સેમેસ્ટર-V)નાં રિઝલ્ટ્સ અનામત રાખવામાં આવ્યાં હતાં અને વિદ્યાર્થીઓએ પરીક્ષા વિભાગ સુધી પહોંચીને તેમને તેઓ હાજર હતા એનો પુરાવો આપવો પડ્યો હતો. એલએલબીના કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પણ ગુમ થઈ ગઈ હતી.
મુંબઈ યુનિવર્સિટી ઍન્ડ કૉલેજ ટીચર્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી સુભાષ આઠવલેએ જણાવ્યું કે ‘એમયુનાં પરિણામમાં ગોટાળા અને અનિશ્ચિતતાને અવગણવી ન જોઈએ. આ મુદ્દા પર પ્રો-વાઇસ ચાન્સેલર અને બોર્ડ ઑફ એક્ઝામિનેશનના ડિરેક્ટર દ્વારા તપાસ અને કાર્યવાહી થવી જોઈએ.’
આઠવલેએ મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસ અને તમામ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આ બાબતે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, કારણ કે આવા ગોટાળા અવારનવાર થતા રહ્યા છે.
જ્યારે એમયુના બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઍન્ડ ઇવૅલ્યુએશનના ડિરેક્ટર ડૉ. પ્રસાદ કારંડેનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું કે ‘આ સ્થિતિનાં કારણો ઘણાં છે. વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવાનું કે પરિણામ રિઝર્વ રાખવાનું કારણ ખોટા સબ્જેક્ટ કોડ અને સીટ-નંબર છે. ૧૦૦ માર્ક્સે આપવાનું કારણ એ છે કે ઘણા વિદ્યાર્થીઓએ સિલેબસની બહારના પ્રશ્નોની ફરિયાદ કરી હતી. આ માટે વિષયના શિક્ષકો અને વિષયના અધ્યક્ષ સાથે આ મુદ્દે સમીક્ષા કર્યા બાદ અમે જે વિદ્યાર્થીઓએ પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા હતા તેમને ગ્રેસ માર્ક આપવાનો નિર્ણય લીધો અને જ્યારે ઍડિશનલ માર્ક્સ ઍડ કરવામાં આવ્યા ત્યારે ત્યારે ફાઇનલ સ્કોર ૧૦૦ સુધી પહોંચી ગયો. સ્થિતિની તપાસ ચાલુ છે અને જરૂર હશે ત્યાં સુધારો કરવામાં આવશે.’