19 January, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે મુંબઈમાં મળ્યા હતા, જે દરમિયાન તેમણે ‘મિત્ર’ ના તબક્કાવાર રોલઆઉટ માટેના રોડમેપ પર ચર્ચા કરી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવની મુખ્ય ઉપસ્થિતિમાં સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં ઇન્ટિગ્રેશન ઑફ ટિકિટિંગ સર્વિસિસ સંદર્ભે બેઠક આયોજિત કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કહ્યું હતું કે ‘મુંબઈમાં પ્રવાસ કરવા માટે સિંગલ પ્લૅટફૉર્મ ઍપ બનાવવામાં આવી છે એ ચકાસવામાં આવી હતી. આ એક જ સિંગલ ઍપથી મેટ્રો, મૉનોરેલ, બેસ્ટની બસ તેમ જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટેની ટિકિટ લઈ શકાશે. સિંગલ મોબિલિટી પ્લૅટફૉર્મ લાવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે એ દૃષ્ટિએ મુંબઈમાં મૂળભૂત સુવિધા ડેવલપ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નવી ઍપથી ટિકિટ કઢાવ્યા બાદ પ્રવાસીને તેની આસપાસ કયું સ્ટેશન કે બસ સ્ટૉપ છે એની માહિતી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા મળી જશે. ટૂંક સમયમાં જ આ ઍપ લૉન્ચ કરવામાં આવશે.