21 December, 2024 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉતના ભાંડુપમાં આવેલા બંગલા મૈત્રીની બહાર રેકી કરી રહેલા લોકોની હિલચાલ CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી.
શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતના ઘરની બહાર ગઈ કાલે બાઇક પર બે અજાણ્યા લોકોએ રેકી કરી હોવાનું બહાર આવ્યું છે.
સંજય રાઉતના ભાંડુપમાં આવેલા મૈત્રી બંગલાની સામે ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે બાઇક પર બે જણ આવ્યા હોવાનું ત્યાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કૅપ્ચર થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
નવાઈની વાત એ હતી કે જે માણસ બાઇક ચલાવી રહ્યો હતો તેના હાથમાં મોબાઇલ હતો, પણ બાઇક પર જે માણસ પાછળ બેઠો હતો તેની પાસે પૂઠાનું એક બોર્ડ હતું અને એના પર ઘણા બધા મોબાઇલ હતા. એથી તેમનો ઇરાદો શું હતો એ જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.
આ બાબતે પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું હતું કે ‘આ ઘટના બાદ ઝોન સાતના પોલીસ-ઑફિસરો આવી પહોંચ્યા હતા. તેમણે તપાસ ચાલુ કરી છે. CCTV કૅમેરાના ફુટેજની ચકાસણી થઈ રહી છે. આજુબાજુના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે બાઇક હતી એ ઉત્તર પ્રદેશ કે બિહારની હોઈ શકે છે.’
મોડી સાંજે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તે બન્ને મોબાઇલ કંપનીના સેલ્સમેન હતા અને એ વિસ્તારમાં મોબાઇલનું નેટવર્ક આવે છે કે નહીં એ ચેક કરી રહ્યા હતા. જોકે આ વાતમાં કેટલું તથ્ય છે એની તપાસ કરવામાં આવી રહી છે.