હમ નહીં સુધરેંગે

10 June, 2022 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાફિક પોલીસે ચેતવણી આપી હોવા છતાં મુંબઈગરાઓ બિન્દાસ હેલ્મેટ વગર ટૂ-વ્હીલર્સ પર નીકળી પડ્યા હતા

પોલીસો પોતે હેલ્મેટ રૂલનું પાલન કરશે ખરા? : ટૂ-વ્હીલર્સ પર સવાર તમામ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ આમઆદમીઓ માટે અમલમાં તો આવી ગયો. પણ પોલીસો માટે આવ્યો નથી લાગતો. જુઓને, ક્રૉફર્ડ માર્કેટમાં આ પોલીસની સાથેના પિલ્યન રાઇડરે ક્યાં હેલ્મેટ પહેરી છે (તસવીર : સૈયદ સમીર અબેદી)

બાઇકસવારોની સલામતી જળવાઈ રહે એવા ઉદ્દેશને નજરમાં રાખીને મુંબઈ પોલીસે ૧૫ દિવસ પહેલાં જ એક ફરમાન બહાર પાડ્યું હતું કે ૯ જૂનથી તેમણે હેલ્મેટ પહેરવી જ પડશે, પણ સાથે તેની પાછળ બેસનાર પિલ્યન રાઇડરે પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે અને જો તેણે હેલ્મેટ નહીં પહેરી હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, મુંબઈની ૫૦ ટ્રાફિક પોલીસચોકીને આ માટે ખાસ આદેશ આપી કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. જોકે એમ છતાં, ગઈ કાલે પહેલા જ દિવસે મુંબઈની એ ૫૦ ચોકી પર સાંજે ૭ વાગ્યા સુધી કરાયેલી કાર્યવાહી દરમિયાન ૩૪૨૧ પિલ્યન રાઇડર્સે હેલ્મેટ ન પહેરી હોવાનું જણાઈ આવતાં તેમની સામે કાર્યવાહી કરી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.

સૌથી વધુ પિલ્યન રાઇડર્સ દ્વારા હેલ્મેટ ન પહેરવાના કેસ સાઉથ ઝોનમાં ૨૧૦૦ નોંધાયા હતા. એ જ પ્રમાણે સિંગલ રાઇડરે પણ હેલ્મેટ ન પહેરી હોય એવા સૌથી વધારે કેસ પણ સાઉથ મુંબઈમાં જ ૯૧૪ નોંધાયા હતા. જોકે રાઇડર અને પિલ્યન રાઇડર એમ બન્નેએ હેલ્મેટ ન પહેરી હોય એવા કુલ ૫૧૬ કેસ થયા હતા, જેમાં પિલ્યન રાઇડરે હેલ્મેટ ન પહેરી હોય એવા સૌથી વધુ કેસ ભોઇવાડામાં ૩૯૮ થયા હતા, જ્યારે પશ્ચિમનાં પરાંઓમાં એના ૨૨૨ કેસ નોંધાયા હતા. 

3421
આટલા પિલ્યન રાઇડર્સે હેલ્મેટ ન પહેરી હોવાથી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

mumbai mumbai news mumbai traffic