02 October, 2020 07:43 AM IST | Mumbai | Alpa Nirmal
શ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ
આ કોરોનાકાળમાં આપણે ઇમ્યુનિટી વધારવા પ્રોટીન અને વિટામિનના ચક્કરમાં રચ્યાપચ્યા રહ્યા છીએ ત્યારે મુઠ્ઠીભર હાડકાના જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ સાધનાની શક્તિ વડે ઉપવાસ પર ઉપવાસ કરી રહ્યા છે. તેમણે હજી ૨૫ મેએ તો ૯૫ ઉપવાસનાં પારણાં કર્યાં છે અને એના માત્ર ૨૮ દિવસ પછી ૨૩ જૂનથી તેમણે ફરી ઉપવાસ શરૂ કર્યા છે, જેનો આજે સળંગ ૧૦૨મો દિવસ છે.
ચોમાસા અર્થે કાંદિવલી-વેસ્ટની શંકર લેનના શ્રી વાસુપૂજ્ય જિનાલય ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય હંસરત્નસૂરિ મ.સા.ની વૈયાવચ્ચમાં રહેલા મુનિ પુન્યધ્યાનવિજય મ.સા. ‘મિડ-ડે’ને કહે છે, ‘તપસમ્રાટ ગુરુદેવ શાંત-પ્રશાંતપણે ઉપવાસની આરાધના કરી રહ્યા છે. ૯૬મા ઉપવાસે તેઓ ૧૦ કિલોમીટરનો વિહાર કરીને ગચ્છાધિપતિ આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પાસે જઈને ૧૬ ઉપવાસનાં પચ્ચક્ખાણ ગ્રહણ કર્યાં હતાં. એ સાથે ગીતાંજલિ જૈન સંઘમાં બિરાજમાન આ. શ્રી રત્નસુંદરસૂરિ મ.સા. અને બોરીવલીના રૉયલ કૉમ્પ્લેક્સ સ્થિત આ. શ્રી વરબોધિ મ.સા.ના આશીર્વચન લઈને કાંદિવલી પાછા ફર્યા હતા, એટલું જ નહીં, પૂજ્યશ્રી આજે પણ દરેક આવશ્યક ક્રિયા જાતે જ કરે છે. કોઈ પણ ટેકો કે સહારો લીધા વિના દિવસના ૧૨ કલાક સાધના કરે છે અને આ વખતે નહીં, માત્ર દરેક તપ વખતે તેઓ આત્મનિર્ભર રહ્યા છે.’
કળિયુગના કરિશ્મા સમા આ જૈનાચાર્યએ અત્યાર સુધી સળંગ ૧૮૦ ઉપવાસની ૩ વખત આરાધના કરી છે, જે જૈન ઇતિહાસમાં તો રેકૉર્ડ છે અને સાથે મૉડર્ન સાયન્સ માટે ગજબનો અચંબો છે. એ સાથે જ તેમણે ૪૮૦ દિવસનું ગુણરત્ન સંવત્સર તપ, ૧૦૮, ૯૫, ૭૭, ૬૮, ૫૨, ૫૧, ૪૫, ૪૪, ૪૩, ૪૨, ૪૦, ૩૯, ૩૮, ૩૭, ૩૬, ૩૫, ૩૪, ૩૩, ૩૨, ૧૭, ૮ ઉપવાસ એક વખત અને ૧૬, ૧૭, ૩૦, ૩૧ ઉપવાસ બે વાર તેમ જ બે વર્ષીતપ કર્યાં છે. મુનિ પુન્યધ્યાન વિજય કહે છે, ‘ગુરુદેવે ઉમરના ૩૬મા વર્ષથી તપધર્મનાં મંડાણ કર્યાં. ત્યાર બાદના ૬૮૦૦ દિવસમાં ૩૪૦૦થી વધુ ઉપવાસ કર્યા છે. આવી વિરાટ સિદ્ધિ પામનાર પૂજ્યશ્રી તેમની તપસાધનાનું શ્રેય દેવ, ગુરુ અને ધર્મને આપે છે. તેઓ વિનમ્ર ભાવે માને છે કે જિનેશ્વર પરમાત્માની કૃપા અને ગુરુભગવંતોના આશીર્વાદથી જ આ શક્ય બન્યું છે.’