મુંબઈમાં ગણેશોત્સવની જેમ રામલીલાના આયોજકોના અવરોધ પણ દૂર થઈ ગયા

27 September, 2024 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCના અધિકારીઓ સાથે વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ બેઠક કર્યા બાદ મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે

વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ BMCના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

નવરાત્રિમાં મુંબઈનાં અનેક મંડળો અને સંસ્થાઓ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવે છે એની પરમિશન મેળવવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદ કેટલાક આયોજકોએ કરી હતી. આથી મલબાર હિલના વિધાનસભ્ય અને મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ આ બાબતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મુખ્યાલયમાં બેઠક બોલાવી હતી. એમાં અધિકારીઓ સાથે રામલીલાનું આયોજન કરનારાઓને ફાયર-બ્રિગેડ અને પોલીસની પરવાનગી લેવા માટે ગણેશોત્સવનાં મંડળોની જેમ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવે એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મંગલ પ્રભાત લોઢાએ મીડિયાને માહિતી આપી હતી કે ‘રામલીલા મંડળોને એક વારમાં સતત પાંચ વર્ષ સુધીની મંજૂરી આપવાનો તેમ જ ફાયર-બ્રિગેડ અને પોલીસની પરમિશન માટે ઑનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરમિશન માટેની ફી રદ કરવાની સાથે BMCના મેદાનનું ભાડું પણ અડધું કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મેદાનમાં આવતા શ્રદ્ધાળુઓ માટે માળખાકીય સુવિધાઓ, લાઇટિંગ યોજના અને શૌચાલયની સુવિધા પણ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગણેશોત્સવ મંડળોની જેમ રામલીલા અને નવરાત્રિ મંડળોને પણ સુવિધા આપવામાં આવશે.’

mumbai news ganesh chaturthi festivals ram leela mumbai airport navratri