ટેમ્પોના દારૂડિયા ડ્રાઇવરે જીવ લીધો ગુજરાતી મહિલાનો

28 December, 2024 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુર્લામાં બેસ્ટના ડ્રાઇવરે ૧૫ જણના જીવ લીધા બાદ હવે ઘાટકોપરમાં ટેમ્પોએ છ જણને અડફેટે લીધા: ટેમ્પોના ડ્રાઇવરે ૩૫ વર્ષની પ્રીતિ પટેલને અડફેટે લીધા બાદ તે ટેમ્પો નીચે ફસાઈ ગઈ હોવા છતાં એને આગળ લઈ જઈને બીજા પાંચ જણને ઉડાડી દીધા

ઘાટકોપરની પ્રીતિ પટેલ અને તેને અડફેટે લેનારો ટેમ્પો

કુર્લા-વેસ્ટમાં બૃહન્મુંબઈ ઇલે​ક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસના ડ્રાઇવરે બેફામ બસ ચલાવી ૧૫ જણનાં મોત નિપજાવવાની ઘટના હજી તાજી જ છે ત્યાં ગઈ કાલે સાંજે ૬.૩૦ વાગ્યે ઘાટકોપર-વેસ્ટના આઝાદનગરમાં મચ્છી માર્કેટ પાસે એક ટેમ્પોએ પાંચ જણને અડફેટે લીધા હતા, જેમાં ૩૫ વર્ષની પ્રીતિ રિતેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય ત્રણ મહિલા અને એક પુરુષને ઈજા થઈ હતી. ઘાયલોને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. લોકોએ ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું હતું કે પચીસ વર્ષનો ઉત્તમ બબન ખરાત નશામાં ડ્રાઇવિંગ કરતો હતો.

ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘એ ટેમ્પો નારાયણનગરથી આઝાદનગર મચ્છી માર્કેટ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે એક મહિલાને અડફેટે લીધી હતી. એટલું જ નહીં, એ મહિલા ટેમ્પોની નીચે ફસાયેલી હોવા છતાં તેણે ટેમ્પો ચલાવ્યે જ રાખ્યો અને આગળ બીજી બે-ત્રણ મહિલા અને એક પુરુષને અડફેટે લીધા બાદ ટેમ્પો રોક્યો હતો. એમાં ટેમ્પો નીચે ફસાઈ ગયેલી મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજી મહિલાઓને પગમાં ફ્રૅક્ચર થયું છે.  ઘાયલોને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અમે બધાએ ભેગા મળીને ડ્રાઇવરને પકડી એક રૂમમાં બેસાડી દીધો હતો. ઍક્સિડન્ટ થવાને કારણે લોકોમાં બહુ રોષ વ્યાપી ગયો હતો. જો ડ્રાઇવર લોકોના હાથમાં ગયો હોત તો તેને મારી નાખવામાં આવ્યો હોત. પોલીસ આવ્યા પછી અમે આરોપીને તેમને હવાલે કર્યો હતો. ડ્રાઇવર ટેમ્પો ચલાવતી વખતે નશામાં હતો.’

અકસ્માતની આ ઘટનામાં નજીકની પારસીવાડી વિસ્તારમાં આવેલી ભાગીરથી ચાલમાં રહેતી ૩૫ વર્ષની પ્રીતિ રિતેશ પટેલ મૃત્યુ પામી હતી જ્યારે રેશમા શેખ, મારૂફા શેખ, તોહફા અઝહર શેખ અને મોહરમ શેખ ઘાયલ થયાં હતાં. એ બધાં જ ચિરાગનગર મચ્છી માર્કેટની આસપાસનાં રહેવાસી છે.    

ઘટનાની બરાબર તપાસ થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ચિરાગનગરમાં આવેલા ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (‍BMC)ના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પૂરતી તપાસ કરી એ ટેમ્પો તાબામાં લેવામાં આવ્યો હતો. 

ghatkopar road accident Crime News mumbai mumbai news