ઊંઘમાં ચાલવાની બીમારીથી પીડાતો ટીનેજર બાલ્કનીમાંથી નીચે પટકાયો

02 July, 2024 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારે હજી ચાર દિવસ પહેલાં જ ટીનેજરને બચાવ્યો હતો, પણ રવિવારે ન બચાવી શકાયો

પ્રતીકાત્મક તસવીર

માઝગાવમાં ઍક્વા જેમ ટાવરમાં રહેતા ૧૯ વર્ષના વહોરા સમાજના મુસ્તફા ઇબ્રાહિમ ચૂનાવાલાને ઊંઘમાં ચાલવાની બીમારી હતી. ચાર દિવસ પહેલાં જ તેના પરિવારે તેને બાલ્કનીમાંથી પડી જાય એ પહેલાં બચાવી લીધો હતો, પણ રવિવારે તેઓ એમ ન કરી શક્યા અને છઠ્ઠા માળની બાલ્કનીમાંથી ત્રીજા માળ‍ના પોડિયમ પર પટકાયેલા મુસ્તફાનું કરુણ મોત થયું હતું.

ભાયખલા પોલીસ-સ્ટેશનના ઑફિસરના જણાવ્યા મુજબ હાલમાં જ મુસ્તફાએ નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રર્ન્સ ટેસ્ટ (NEET) આપી હતી અને એમાં ૫૦૦ કરતાં વધુ માર્ક મેળવી પાસ થયો હતો. જોકે તેને ઊંઘમાં ચાલવાની બીમારી હતી જેની જાણ પરિવારજનોને પણ હતી. એથી ઘરમાં સીસીટીવી કૅમેરા પણ લગાડ્યા હતા. ચાર દિવસ પહેલાં જ તે ઊંઘમાં ચાલતો બાલ્કની પાસે પહોંચી ગયો હતો, પણ પરિવારજનો જાગી જતાં તેમણે તેને બચાવી લીધો હતો. જોકે રવિવારે સવારે પાંચ વાગ્યે તે ફરી ઊંઘમાં ચાલીને બાલ્કની પાસે પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે પટકાયો હતો. તેના પડવાનો અવાજ સાંભળી પરિવારજનો જાગી ગયા હતા. તરત જ સોસાયટીના અન્ય મેમ્બરોની સાથે સિક્યૉટિરી ગાર્ડ પણ દોડતો આવી પહોંચ્યો હતો. મુસ્તફા ગંભીર રીતે જખમી હોવાથી તેને તરત જ સૈફી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. 

mazgaon byculla mumbai police mumbai mumbai news