Mumbai: કેન્સરનાં દર્દીઓ માટે હાશકારો! નાયર હોસ્પિટલમાં 10 માળની જુદી બનશે બિલ્ડિંગ, કઈ સુવિધાઓ અપાશે?

08 December, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: બીએમસીની નાયર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે એક અલગ દસ માળની બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને 2026 સુધીમાં અહીં કેન્સરના દર્દીઓની સંપૂર્ણ ક્ષમતાથી સારવાર કરવામાં આવશે

નાયર હૉસ્પિટલની ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)ની ટાટા કેન્સર હોસ્પિટલમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં કેન્સરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હવે, જાહેર આરોગ્ય વિભાગની હોસ્પિટલો તેમજ શહેર (Mumbai)ની નગરપાલિકાઓએ કેન્સરના દર્દીઓ માટે સારવારની સુવિધાઓ વધારવાની જરૂર પર ભાર મૂક્યો હતો. 

ક્યાં સુધીમાં કામ થશે પૂર્ણ?
 
મુંબઈ (Mumbai)માં બીએમસીની નાયર હોસ્પિટલ (Nair Hospital)માં કેન્સરના દર્દીઓની સારવાર માટે એક અલગ દસ માળની બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને પ્રાપ્ત માહિતી અનુસાર 2026 સુધીમાં અહીં કેન્સરના દર્દીઓની સંપૂર્ણ ક્ષમતાથી સારવાર કરવામાં આવશે. રેડિયો ઓન્કોલોજી વિભાગ 1998થી નાયર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સારવાર કરે છે અને મેડિકલ ઓન્કોલોજી વિભાગ 2007માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 2013માં પણ નાયર હોસ્પિટલમાં કીમોથેરાપી સારવાર માટે ડે-કેર સુવિધા શરૂ કરવામાં આવી હતી. 

છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો લગભગ 7,700 વ્યક્તિઓ અને 700થી વધુ બાળકોની કીમોથેરાપીથી સારવાર કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સાડા નવ હજાર જેટલા દર્દીઓને કીમોથેરાપીથી સારવાર આપવામાં આવી છે. અહીંના સર્જરી વિભાગમાં સ્તન, પેટ, આંતરડા, સ્વાદુપિંડ, ગર્ભાશય, ગળું, માથું વગેરેના કેન્સરની સર્જરી કરવામાં આવે છે અને 2022માં 644 કેન્સરના દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. હવે નાયર હોસ્પિટલમાં દિન-પ્રતિદિન કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા મહાનગરપાલિકા પ્રશાસને નાયર હોસ્પિટલમાં કેન્સર વિભાગનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.

નવી ઇમારતમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે?

હવે કેન્સરના દર્દીઓની સારવાર માટે મુંબઇ (Mumbai)માં દસ માળની નવી ઇમારત બનાવવામાં આવી રહી છે. આ બિલ્ડીંગનો ખર્ચ અંદાજિત 106 કરોડ રૂપિયા છે અને આ હોસ્પિટલ (Nair Hospital)માં કુલ 70 બેડ હશે. આ તમામ બેડમાંથી 50 બેડ રેડિયોથેરાપીના દર્દીઓ માટે તો 20 બેડ કીમોથેરાપીના દર્દીઓ માટે રાખવામાં આવશે. દસ માળની બિલ્ડીંગમાં બે લીનિયર એક્સીલેટર મશીન, ટેલીકોબાલ્ટ થેરાપી, ટેલીથેરાપી, બ્રેકીથેરાપી, સુસજ્જ ઓપરેશન થિયેટર અને પેટસ્કેન સહિતની ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાયર હોસ્પિટલ (Nair Hospital)માં સ્ટેમ સેલ થેરાપી, CAR-T થેરાપી શરૂ કરવામાં આવશે અને મેડિકલ અને પેડિયાટ્રિક ઓન્કોલોજીમાં અનુસ્નાતક શિક્ષણ શરૂ કરવાનો ઈરાદો છે. હોસ્પિટલમાં દર વર્ષે 5,500 દર્દીઓને રેડિયોથેરાપી દ્વારા સારવાર આપવામાં આવે છે. ઉપરાંત, ક્લિનિકલ ફાર્માકોલોજી વિભાગ કેન્સરની તીવ્રતા, ફાયદા અને કીમોથેરાપીની આડઅસરોની આગાહી કરવા માટે ફાર્માકોજેનોમિક્સ સુવિધાઓ પ્રદાન કરે છે.

પ્રથમ માળે બાળરોગ વિભાગ અને પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજા માળે પેટ સ્કેન હશે. આ સાથે જ છઠ્ઠા માળે મહિલાઓ માટે અને સાતમા માળે પુરૂષો માટે એક જુદો જ વિભાગ શરૂ કરવામાં આવશે. આઠમા અને નવમા માળે એક પુસ્તકાલય અને એક સેમિનાર હોલ બનાવવામાં આવશે.

nair hospital cancer brihanmumbai municipal corporation mumbai news mumbai