કસ્ટમ્સે જપ્ત કરેલાં ૪૬૦૦માંથી ૩૯૫૩ લૅપટૉપ ચોરાઈ ગયાં

17 December, 2024 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના ન્હાવા-શેવા ખાતે ફેબ્રુઆરીમાં કસ્ટમ્સે જપ્ત કરેલાં લૅપટૉપની ચોરી થતાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT)ની આસપાસના કન્ટેનર ફ્રેટ સ્ટેશન્સ (CFS) સામે સુરક્ષાના પ્રશ્ન ઊભા થયા છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવી મુંબઈના ન્હાવા-શેવા ખાતે ફેબ્રુઆરીમાં કસ્ટમ્સે જપ્ત કરેલાં લૅપટૉપની ચોરી થતાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT)ની આસપાસના કન્ટેનર ફ્રેટ સ્ટેશન્સ (CFS) સામે સુરક્ષાના પ્રશ્ન ઊભા થયા છે.

ન્હાવા-શેવા કસ્ટમ્સ સ્પેશ્યલ ઇન્ટેલિજન્સ ઍન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB) દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪માં હૉન્ગકૉન્ગ અને દુબઈથી દાણચોરીથી આયાત કરવામાં આવેલાં ૪૬૦૦ લૅપટૉપને જપ્ત કરીને CFSમાં રાખવામાં આવ્યાં હતાં. આ લૅપટૉપમાંથી ૩૮૦૦થી વધુ સેકન્ડ હૅન્ડ લૅપટૉપ હતાં. લૅપટૉપ અને અન્ય ઇલેક્ટ્રૉનિક સામાન ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)ની નિગરાની હેઠળ અત્યંત સુરક્ષિત વેરહાઉસમાં હોવા છતાં ચોરી થઈ જતાં એની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉરણ પોલીસે કેસ નોંધીને આ બાબતની તપાસ શરૂ કરી છે.

CFS ખાતે જપ્ત કરાયેલા માલસામાનના ઑડિટમાં લૅપટૉપ ચોરી થયા હોવાનું બહાર આવ્યું હતું. શોધખોળ દરમ્યાન અધિકારીઓને ૪૬૦૦ લૅપટૉપમાંથી ફક્ત ૬૪૭ લૅપટૉપ જ મળી આવ્યાં હતાં જે અધિકારીઓની નબળી દેખરેખ, નિગરાની અને ઑડિટમાં રહેલી ભૂલોનું પરિણામ હોવાનું કહેવાય છે.

આ મુદ્દે નવી મુંબઈની ઉરણ પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ-નિરીક્ષકે આક્ષેપ કર્યો હતો કે સૌથી વધુ સુરક્ષિત વિસ્તારોમાંથી આ રીતે ચોરી કસ્ટમ અધિકારીઓની મિલીભગત વિના શક્ય નથી.

navi mumbai mumbai customs news mumbai news mumbai Crime News mumbai crime news mumbai police