24 February, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના અનેક વૉર્ડમાં રોજ પાણી ઓછું આવ્યું હોવાની બૂમ પડે છે અને લોકોએ હાડમારી ભોગવવી પડે છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીમાંથી રોજ ૧૪૦૦ મિલ્યન લીટર પાણી ચોરાઈ જાય છે અથવા લીકેજમાં વેડફાઈ જાય છે. આમ રોજનું ત્રીજા ભાગનું પાણી વેડફાઈ જવાને કારણે મુંબઈગરાએ છતે પાણીએ રોવાનો વારો આવે છે.
ગયા વર્ષે પાણી ચોરાવાની કે પછી લીક થવાની કુલ ૨૯,૯૬૨ ફરિયાદ મળી હતી. જોકે આ તો માત્ર હિમશિલાની ટોચ જ કહી શકાય. ખરો આંકડો તો એનાથી ક્યાંય વધારે છે. BMC દ્વારા આ પાણીનો વેડફાટ રોકવા પગલાં લેવાય છે, પણ એ પૂરતાં નથી. મૂળમાં મુંબઈને પાણીની સપ્લાય કરતી પાઇપલાઇનો વર્ષો જૂની છે. વળી એ આખું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ છે. કાટ લાગવાને કારણે એ પાઇપલાઇનો કમજોર થઈ જાય છે અને એમાં અવારનવાર પંક્ચર થતાં પાણીનું મોટા પ્રમાણમાં લીકેજ થાય છે. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને એ પાઇપલાઇનું સમારકામ કરવામાં આવે છે.
મુંબઈને કુલ સાત જળાશયોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. એમાં વિહાર અને તુલસી મુંબઈની હદમાં જ આવેલાં છે; જ્યારે અન્ય પાંચ જળાશયો આજુબાજુનાં થાણે, પાલઘર અને નાશિક જિલ્લામાં આવેલાં છે. આ જળાશયોમાંથી ૬૫૦ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા એ પાણી મુંબઈ પહોંચે છે જે ત્યાર બાદ ૬૦૦૦ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. મુંબઈની રોજની પાણીની જરૂરિયાત ૪૪૬૩ મિલ્યન લીટરની છે, જ્યારે એ સામે રોજનું ૩૯૫૦ મિલ્યન લીટર પાણી જ સપ્લાય થાય છે. ચિંતાની વાત એ છે કે મુંબઈમાં જે રીતે વસ્તીવધારો થઈ રહ્યો છે અને બહારગામથી લોકો આવી રહ્યા છે એ જોતાં ૨૦૪૧માં એ જરૂરિયાત દોઢગણી વધી જશે અને રોજ ૬૯૦૦ મિલ્યન લીટર પાણીની જરૂર પડશે.
એવો પણ આક્ષેપ થાય છે કે ઝૂંપડપટ્ટીઓમાં ગુંડાઓ મોટા પ્રમાણમાં પાણીની ચોરી કરીને એ સપ્લાય કરે છે અને એમાં BMCના અધિકારીઓની પણ સાઠગાંઠ હોય છે.