કચ્છ યુવક સંઘે બીએસએફના જવાનો‍ સાથે ઊજવી રક્ષાબંધન

31 August, 2023 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છ યુવક સંઘ, મધ્ય મુંબઈના ૠષભ મારુના નેતૃત્વ હેઠળ શાખાનાં કાર્યકરો અને મહિલાઓ ૨૯ ઑગસ્ટે સવારે હેડ ક્વૉર્ટર્સ ભુજ ખાતે પહોંચ્યાં હતાં.

કચ્છ યુવક સંઘની બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી

કચ્છ યુવક સંઘ, મધ્ય મુંબઈ શાખા દ્વારા બીએસએફની ૫૯ બટૅલ્યનના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એ વખતે જવાનોમાં ઉત્સાહ અને આનંદભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

કચ્છ યુવક સંઘ, મધ્ય મુંબઈના ૠષભ મારુના નેતૃત્વ હેઠળ શાખાનાં કાર્યકરો અને મહિલાઓ ૨૯ ઑગસ્ટે સવારે હેડ ક્વૉર્ટર્સ ભુજ ખાતે પહોંચ્યાં હતાં. તેમણે બીએસએફની ૫૯ બટૅલ્યનના ડેપ્યુટી કમાન્ડન્ટ રાકેશકુમાર અને જવાનો સાથે મળીને રક્ષાબંધન મનાવી હતી. આ વિશે માહિતી આપતાં કચ્છથી વાત કરતાં કચ્છ યુવક સંઘ, મધ્ય મુંબઈના ૠષભ મારુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે અમે કચ્છની ભારત-પાકિસ્તાન સીમાના દુર્ગમ વિસ્તાર જેવા કે હરામી નાળા, કોરી ક્રીક, ભારત-પાક સીમાના છેલ્લા પિલર નંબર - ૧૧૭૫ પર બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે રક્ષાબંધન મનાવી હતી. ભારત-પાકિસ્તાનની મોટા ભાગની સીમાની રક્ષા કરતા આ જવાનો કેટલો સંઘર્ષ કરે છે એ આપણે વ‌િચારી પણ શકતા નથી. ત્યાર બાદ અમે બધા અબડાસા વિસ્તારના વિધાનસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાથે રક્ષાબંધન મનાવી હતી.’

ૠષભ મારુએ વધુમાં કહ્યું હતું કે ‘મધ્ય મુંબઈ શાખા છેલ્લાં ૧૩ વર્ષથી દર વર્ષે પોતાના ખર્ચે રક્ષાબંધન અલગ-અલગ સીમા પર જઈને મનાવે છે. અમે લગભગ ૨૦,૦૦૦ રાખડીઓ અને મીઠાઈ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, કાશ્મીર, આસામ વગેરે સીમાઓ પર તહેનાત સૈનિકોને મોકલીએ છે. સીમા પાસે જઈને તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરતાં આનંદનું વાતાવરણ સજાર્યું હતું.’

mumbai news gujarati community news gujaratis of mumbai jain community raksha bandhan mumbai