મુંબઈમાં સતત બીજા દિવસે ધુમ્મસની ચાદર છવાયેલી રહી ભરબપોરે પણ વિઝિબિલિટી ઓછી રહી

28 December, 2024 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવાની ગુણવત્તા પણ ખરાબ હોવાથી ડૉક્ટરોએ હમણાં લોકોને ખુલ્લામાં યોગ કે મૉર્નિંગ વૉક ન કરવાની સલાહ આપી ઃ આજથી થોડી રાહત મળવાની આગાહી

ગઈ કાલે સાંજે છ વાગ્યે પણ બાંદરામાં ધુમ્મસની ચાદર જોવા મળી હતી. વેધશાળાએ આજથી વાતાવરણમાં થોડો સુધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. તસવીર ઃ આશિષ રાજે

ગુરુવારની જેમ ગઈ કાલે પણ મુંબઈમાં સવારથી સાંજ સુધી આકાશમાં વાદળ છવાયેલાં રહ્યાં હતાં, જેને પગલે ધુમ્મસની ચાદર જોવા મળી હતી. આવી ‌સ્થિતિમાં ભરબપોરે પણ ખાસ કરીને વેસ્ટર્ન સબર્બ્સમાં અંધેરી અને ઈસ્ટર્ન સબર્બ્સમાં ઘાટકોપરથી લઈને દક્ષિણ મુંબઈના કોલાબા સુધીના વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી રહી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આજથી વાદળનું પ્રમાણ ઓછું થશે એટલે ધુમ્મસના પ્રમાણમાં ઘટાડો થશે. ધુમ્મસની સાથે મુંબઈના કેટલાક વિસ્તારોમાં ૩૦૦થી વધુનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
(AGI) નોંધાયો હતો. ખરાબ હવાને લીધે ડૉક્ટરોએ લોકોને ખુલ્લામાં યોગ કે મૉર્નિંગ વૉક કરવા સામે ચેતવણી આપી છે.

હવામાન વિભાગના અધિકારી સુનીલ કાંબળેએ જણાવ્યું હતું કે ‘આ સીઝનમાં ધુમ્મસ જોવા મળે છે. હવાની ગતિ ઓછી હોવાની સાથે ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ધુમ્મસની સ્થિતિ વાતાવરણમાં તૈયાર થાય છે. ગુરુવારની જેમ શુક્રવારે પણ મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતાં વધુ રહ્યું હતું જેને લીધે ધૂળના કણ હવામાં ભળી ગયા હતા જે વાયુમંડળમાં જમીનથી બહુ ઉપર નહોતા જઈ શક્યા. આવું થવાથી ભરબપોરે પણ સવાર અને સાંજની જેમ ધુમ્મસ જોવા મળ્યું હતું. આજથી આકાશમાં વાદળો ઓછાં થશે એટલે ધુમ્મસની સાથે-સાથે પ્રદૂષણમાં સુધારો જોવા મળશે.’

મુંબઈના ડૉક્ટરોએ કહ્યું હતું કે ‘આગામી દિવસોમાં AQI ખરાબ રહેશે તો ચિંતાજનક સ્થિતિ ઊભી થશે. પ્રદૂષણ જે સમયે વધુ હોય ત્યારે લોકોએ ઘરમાં જ રહેવું, ઍર-પ્યુરિફાયરનો ઉપયોગ કરવો અને ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવો જોઈએ. બાળકો અને સિનિયર સિટિઝનોએ આવી સ્થિતિમાં વધુ ત‌કેદારી રાખવી.’

ક્યાં કેટલો AQI હતો?
પ્રાઇવેટ વેધર મૉનિટરિંગ સ્ટેશનોમાં ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસે સૌથી વધુ ૩૦૬ AQI, પવઈમાં ૨૧૩, જુહુમાં ૧૯૯, કોલાબામાં ૧૯૮, વિલે પાર્લેમાં ૧૮૯ અને મલાડમાં ૧૮૩ AQI નોંધાતાં આ વિસ્તારોમાં વધુ પ્રદૂષણની સાથે ધુમ્મસ જોવા મળ્યું હતું. 

કેવા AQIની કેવી અસર?
૦-૫૦ 
સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦
સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ 
થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ 
ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ 
બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર 
સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે. 

mumbai Weather Update mumbai weather news mumbai news