23 November, 2023 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શિયાળો ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે ત્યારે મુંબઈમાં ૨૪થી ૨૬ નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદ પડશે તો ઍર ક્વૉલિટીમાં સુધારો થઈ શકે છે. જોકે હવામાં ભેજનું પ્રમાણ વધવાથી મુંબઈગરાઓ ગરમીને કારણે પરસેવે રેબઝેબ થઈ જશે. શહેરની હવાની ક્વૉલિટી સતત ખરાબ થઈ રહી છે એટલે રાજ્ય સરકાર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાનું વિચારી રહી છે ત્યારે જો કમોસમી વરસાદ થશે તો કદાચ આવો પ્રયોગ કરવાની જરૂર નહીં પડે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં મુંબઈ સહિત કોંકણ વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આથી ઍર પૉલ્યુશનની સમસ્યા સામે ઝઝૂમી રહેલા મુંબઈગરાઓને થોડી રાહત મળી શકે છે. મુંબઈમાં અત્યારે ૩૩થી ૩૪ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, જે કમોસમી વરસાદ થશે તો પણ યથાવત્ રહી શકે છે.
હવામાન નિષ્ણાત રાજેશ કાપડિયાના અંદાજ મુજબ ૨૪ નવેમ્બરે મુંબઈના આકાશમાં વાદળો છવાઈ જશે. ૨૫ નવેમ્બરની બપોર બાદ કે સાંજે ગાજવીજ સાથે શહેરના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. એના બીજા દિવસે પણ કમોસમી વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રથી કર્ણાટક સુધીના પટ્ટામાં એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે, જેને પગલે મુંબઈ, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી, પુણે, નાશિક, ધુળે, જળગાંવ, નંદુરબાર, મરાઠવાડા અને કોંકણના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈમાં ધૂળ અને વાયુપ્રદૂષણ નિયંત્રિત કરવા માટે જરૂર પડશે તો કૃત્રિમ વરસાદના પ્રયાસ કરવાનું કહ્યું છે. સ્થાનિક બીએમસીએ દુબઈની એક કંપનીનો આ માટે સંપર્ક કર્યો છે, જેની પાસે કૃત્રિમ વરસાદ કરવાનો સારો અનુભવ છે. આ કંપની સાથે કૃત્રિમ વરસાદ પાડવા માટે કરાર કરવામાં આવશે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ જો વરસાદ થશે તો વાયુપ્રદૂષણમાં રાહત મળશે. આથી કદાચ કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની જરૂર નહીં પડે.