28 March, 2019 11:55 AM IST | મુંબઈ
ત્રિપુટી ચર્ચામાં : મુંબઈમાં બુધવારે ગોવાના દિગ્ગજ નેતા મનોહર પર્રિકરની શ્રદ્ધાંજલિસભા યોજાઈ હતી જેમાં કિરીટ સોમૈયા, આશિષ શેલાર અને ગોપાલ શેટ્ટી હાજર રહ્યા હતા. તસવીર : આશિષ રાજે
ઈશાન મુંબઈના BJPના ઉમેદવારને એકાદ દિવસમાં ફાઇનલ કરવામાં આવે એવું પાર્ટીનાં સૂત્રોનું કહેવું છે. હાલના સંસદસભ્ય કિરીટ સોમૈયાને લોકસભાની ચૂંટણીમાં આ જ બેઠક પરથી રિપીટ કરાશે કે છેલ્લાં અમુક વષોર્માં શિવસેના સામે કરેલાં ઉગ્ર નિવેદનોને કારણે તેમનું પત્તું કપાઈ જશે એ વિશે ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ મુખ્ય પ્રધાનની હાજરીમાં કૉંગ્રેસમાંથી BJPમાં પ્રવેશ કરનાર ઈશાન મુંબઈના ગુજરાતી નેતા પ્રવીણ છેડાએ ગઈ કાલે શિવસેનાના વડા મથક માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની શુભેચ્છા મુલાકાત લીધા બાદ જાત-જાતની અટકળો રાજકીય વર્તુળોમાં જોવા મળી હતી. ઉપરાંત રાજ્યના ગૃહનિર્માણપ્રધાન પ્રકાશ મહેતાને ઈશાન મુંબઈના ચૂંટણી પ્રભારીની જવાબદારી પક્ષ તરફથી સોંપવામાં આવી હોવાનું જાણવા મYયું છે. જોકે સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર કિરીટ સોમૈયાની ટિકિટ કપાશે તો પ્રકાશ મહેતા પર લોકસભાના ઉમેદવાર તરીકે કળશ ઢોળાશે અને તેમની ખાલી પડેલી સીટ પર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણ છેડાને ઉમેદવાર બનાવવામાં આવશે.
BJP એના પચીસ વર્ષ જૂના મિત્રપક્ષ અને સ્થાનિક શિવસેનાના કાર્યકરોના વિરોધ સામે ઝૂકી જશે કે શિવસેના સામે ભડવીરની જેમ એની કાર્યપ્રણાલી સામે અવાજ ઉપાડનાર શહેરના એકમાત્ર ગુજરાતી સંસદસભ્યની સાથે રહેશે એ વિશે ‘મિડ-ડે’એ શિવસેનાના ભાંડુપના વિધાનસભ્ય અને BJPના પ્રવક્તા તેમ જ પ્રવીણ છેડા સાથે સીધી વાત કરી હતી.
શિવસેનાના નેતા સંજય રાઉતના ભાઈ અને ભાંડુપના વિધાનસભ્ય સુનીલ રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માતોશ્રીમાં માફિયા ડૉન બેસે છે સહિતનાં અનેક બેફામ નિવેદનોથી શિવસૈનિકોમાં કિરીટ સૌમેયા સામે વિરોધ છે. અમે અમારા સ્થાનિક શિવસૈનિક કાર્યકરોની લાગણી માનનીય ઉદ્ધવ ઠાકરેજીને પહોંચાડી છે અને અમારી લાગણી સાથે તેઓ સંમત છે. જો BJP કિરીટ સોમૈયાને આગામી લોકસભાની ચૂંટણીમાં ઈશાન મુંબઈમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરશે તો અમે તેમના સમર્થનમાં ચૂંટણીમાં કામ નહીં કરીએ. અમારો વિરોધ BJPની સામે નથી.’
કિરીટ સોમૈયાને ઉમેદવાર જાહેર કરવા વિશે શિવસેનાના સ્થાનિક નેતાઓની નારાજગી વિશે વાત કરતાં BJPનાં પ્રવક્તા શાઇના એન.સી.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાર્ટીએ કોને ઉમેદવાર જાહેર કરવો એ વિશે શિવસેનાએ નક્કી કરવાનું નથી. અમારી પાર્ટી સંસદસભ્યે તેના વિસ્તારમાં કરેલાં કામો અને તેની લોકપ્રિયતા જોઈને ઉમેદવાર નક્કી કરે છે. આ માપદંડમાં કિરીટ સોમૈયા પાર્ટીની ગાઇડલાઇન મુજબ ફિટ હોય તો તેમને પાર્ટી જરૂરથી ઉમેદવાર જાહેર કરશે.’
આ પણ વાંચો : આર્થિક દેવાંના લીધે બોરીવલીના ગુજરાતી એસ્ટેટ એજન્ટની તેરમા માળેથી કૂદીને આત્મહત્યા
ઈશાન મુંબઈના ઉમેદવાર તરીકે શિવસેનાનું સમર્થન મેળવવા વિશે ગુજરાતી આગેવાન પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણા લાંબા સમયથી અમારી મુલાકાત થઈ નહોતી. હું કૉંગ્રેસમાંથી BJPમાં જોડાયા બાદ મિત્રપક્ષ તરીકે ઉદ્ધવ ઠાકરેજીની સાથે ઔપચારિક મુલાકાત માટે માતોશ્રી ભવન ગયો હતો. હું લોકસભાના ઉમેદવાર તરીકે હરીફાઈમાં નથી. હું ઇચ્છું છે કે સિટિંગ સંસદસભ્ય કિરીટ સોમૈયાને આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે અમારી પાર્ટી જાહેર કરશે.’