મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સરકારી બસનો અકસ્માત, એકનું મોત અને સાત ઘાયલ

19 October, 2024 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Road Accident: આજે સવારે સરકારી બસ એક ટ્રક સાથે અથડાતાં થયો મોટો અકસ્માત, ઘાયલોની હૉસ્પિટલમાં સારવાર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-પુણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway) પર શનિવારે વહેલી સવારે સરકારી બસ એક ટ્રક સાથે અથડાતાં (Mumbai Road Accident) એક મુસાફરનું મોત નીપજ્યું હતું અને ઓછામાં ઓછા સાત અન્ય ઘાયલ થયા હતા. શનિવારે સવારે આ અકસ્માત થયો હોવાની માહિતી પોલીસે આપી હતી. છેલ્લા બે દિવસમાં આ બીજો અકસ્માત છે.

પોલીસે જણાવ્યું કે, સરકારી બસ અને ટ્રક વચ્ચે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પુણે (Pune) જિલ્લાના લોનાવાલા (Lonavala) નજીક આ ઘટના સવારે ૩ વાગ્યાની આસપાસ બની હતી. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન - એમએસઆરટીસી (Maharashtra State Road Transport Corporation - MSRTC)ની અહેમદનગર (Ahmednagar)માં આવેલા બસ પાથર્ડી ડેપો (Pathardi Depot)થી મુંબઈ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. બંને વાહનો એક જ દિશામાં જઈ રહ્યા હતા.

અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત જણ ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં એક પુરૂષ મુસાફરનું મૃત્યુ થયું હતું, જેની ઓળખ વિશ્વનાથ ભગવાન વાઘમારે (Vishwanath Bhagwan Waghmare) તરીકે થઈ છે. જ્યારે સાતથી આઠ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અધિકારીએ ઉમેર્યું હતું કે મુંબઈ-પુણે એક્સપ્રેસવે માર્ગ પરનો ટ્રાફિક કેટલાક સમય માટે ખોરવાઈ ગયો હતો. પરંતુ અધિકારીઓએ ટૂંક સમયમાં અકસ્માતનો માર્ગ ક્લિયર કરી દીધો હતો.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અન્ય અકસ્માતમાં ૨૩ ઘાયલ

બે દિવસ પહેલા ૧૭ ઓક્ટોબરના રોજ વહેલી સવારે પૂણે જિલ્લાના લોનાવાલા નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કાનગી બસે એક ભારે વાહનને ટક્કર મારતાં ઓછામાં ઓછા ૨૩ મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી ૧૧ની હાલત ગંભીર છે, એમ પોલીસે જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું કે બસ પશ્ચિમ મહારાષ્ટ્ર (Maharashtra)ના કોલ્હાપુર (Kolhapur)થી મુંબઈ (Mumbai)ના બોરીવલી (Borivali) જઈ રહી હતી ત્યારે ૧૭ ઓક્ટોબરે સવારે ૫ વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો.

આ અકસ્માત વિષે પોલીસે જણાવ્યું હતું કે, એવું લાગે છે કે બસનો ડ્રાઈવર ઊંઘી ગયો હતો, જેના પરિણામે તેને પાછળથી કોઈ ભારે વાહન, જેમ કે કન્ટેનર અથવા ટ્રેલર સાથે અથડાઈ હતી. જ્યારે ૧૧ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અન્ય ૧૨ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘાયલ થયેલા તમામ મુસાફરોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

જુલાઈમાં એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં પાંચ લોકોનો જીવ ગયો હતો

આ વર્ષે જુલાઈમાં, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વારકારીઓ એટલે કે તીર્થયાત્રીઓને લઈને પંઢરપુર (Pandharpur) જતી બસને એક ટ્રેક્ટરે ટક્કર મારતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને ૪૨ લોકો ઘાયલ થયા હતા.

road accident pune-mumbai expressway mumbai-pune expressway mumbai pune expressway pune pune news lonavala ahmednagar mumbai mumbai news