01 May, 2023 08:13 AM IST | Mumbai | Sanjeev Shivadekar
સાકીનાકામાં મીઠી નદીના કિનારા પાસે નાખવામાં આવેલો કાંપ નદીને સાંકડી કરવાનું કામ કરે છે (તસવીર : શાદાબ ખાન)
મીઠી નદીની સફાઈનું કામકાજ એના માટે મુશ્કેલનું કારણ બની રહી છે. નદીને પહોળી અને ઊંડી કરવા માટે કરવામાં આવતું કામ એને વધુ સાંકડી કરી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. કાંપને કાઢીને દૂર લઈ જવાને બદલે એનો નદીના કિનારા પર જ ઢગલો કરવામાં આવી રહ્યો છે.
એમએનએસએ સાકીનાકા નજીક નદી સાંકડી થઈ રહી હોવાની ચિંતા વ્યક્ત કરી છે. અંધેરી વિધાનસભા એમએનએસના હેડ રોહન સાવંતે સુધરાઈના વહીવટીતંત્રને પત્ર લખી સ્કાયવે નામક કૉન્ટ્રૅક્ટરને આપવામાં આવેલા કામની તપાસ કરવા કહ્યું છે. દરમ્યાન સ્ટૉર્મ વૉટર ડ્રેઇન ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદમાં કોઈ તથ્ય નથી. સુધરાઈને લખેલા પત્રમાં સાવંતે કહ્યું હતું કે કૉન્ટ્રૅક્ટરના કામથી નદીને વધારે નુકસાન થયું છે. આ મામલે સ્કાયવે કૉન્ટ્રૅક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કૉલ્સ અથવા મેસેજનો કોઈ જવાબ મળ્યો નહોતો.
સુધરાઈએ અશોકનગર (અંધેરી)થી ફિલ્ટરપાડા (પવઈ) વચ્ચેની નદીની સફાઈ માટે ૧૨૮.૩૫ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. સાવંતે દાવો કર્યો હતો કે ‘કૉન્ટ્રૅક્ટરે એવી રીતે ગરબડ કરી છે કે જે વિસ્તારોમાં સફાઈ અને ઊંડાણનું કામ ચાલી રહ્યું છે ત્યાં ચોક્કસ પૂર આવશે.’ ૨૦૦૭માં મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના કાર્યકાળ દરમ્યાન નદીની સફાઈ અને ઊંડી કરવાની યોજના બનાવવામાં આવી હતી.
મંજૂરી વગર શરૂ કર્યું કામ
નદીના પટની અંદરના કોઈ પણ કામકાજ કરવા માટે યુનિયન મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ ઍન્ડ ફૉરેસ્ટ, સ્ટેટ એન્વાયર્નમેન્ટ મિનિસ્ટ્રી, મીઠી રિવર ડેવલપમેન્ટ ઍન્ડ પ્રોટેક્શન ઑથોરિટી અને અન્ય એજન્સીઓ જેવી કે એમપીસીબી અને બીએમસીની મંજૂરી લેવી જોઈએ. સાવંતે કહ્યું કે મેં આ મામલે આરટીઆઇ પણ કરી પરંતુ મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ ઍન્ડ ફૉરેસ્ટે કૉન્ટ્રૅક્ટરને કામ કરવાની મંજૂરી આપી નથી.
નદીના કિનારે નાખવામાં આવે છે કાટમાળ
શહેરના પર્યાવરણવાદીઓએ એવો આક્ષેપ કર્યો છે કે હજારો ટ્રક કાટમાળ રોજ મીઠી નદીની પાસે આવેલાં આરેનાં જંગલોમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેના લીધે વૃક્ષો અને જંગલોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ગઈ ૨૮ એપ્રિલના એનજીઓ વનશક્તિના સ્ટાલિન ડી એ મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ, સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બ્યુરો, પ્રિન્સિપલ સેક્રેટરી ઑફ ધ એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ-મહારાષ્ટ્ર, કલેક્ટર ઑફ મુંબઈ સબર્બન, સેક્રેટરી ઑફ ધ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ ઑફ બીએમસી, સેક્રેટરી ઑફ ધ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ-મહારાષ્ટ્ર સ્ટેટ ઍન્ડ રાઉન્ડ ઑફિસર ઑફ મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બ્યુરોને ફરિયાદ કરતો પત્ર મોકલ્યો છે.
સ્ટાલિને જણાવ્યું હતું કે મીઠી નદીના કિનારે આવેલાં આરેનાં જંગલોમાં મોટા પાયે કાટમાળ નાખવામાં આવી રહ્યો છે, જેને કારણે વૃક્ષો અને જંગલોનો નાશ થયો છે. આ કાટમાળના ઢગલાઓ ૭૦થી ૮૦ ફુટ ઊંચા છે. ચોમાસામાં આ તમામ ધોવાઈને નદીમાં જશે અને એને પ્રદૂષિત કરશે. ઘણાંબધાં વૃક્ષો કાટમાળની નીચે દટાયેલાં છે. બાકીના થોડીક ઊંચાઈ પર કાટમાળની વચ્ચે ઊભાં છે. આરેનાં જંગલો કંઈ કાટમાળ નાખવા માટેની જગ્યા નથી. આ વિશે સુપ્રીમ કોર્ટને રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક આ ડમ્પિંગ બંધ કરવા અને જંગલોની જગ્યા ફરીથી આપવા અને નદીને બચાવવા માટે વિનંતી કરીએ છીએ.’
પર્યાવરણવાદીઓએ આ વિનાશક પ્રવૃત્તિને મંજૂરી આપનાર અને એમાં સંડોવાયેલા લોકો સામે પણ પગલાં લેવાની માગ કરી છે. અધિકારીઓ પરિસ્થિતિની ગંભીરતા સમજે એ માટે સમગ્ર ઘટનાના વિનાશના વિડિયો પણ મોકલવામા આવ્યા છે.