08 January, 2025 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઠંડીથી બચવા તાપણું સળગાવીને બેઠેલા બે જણ
ગયા અઠવાડિયે ૩૬ ડિગ્રી ગરમીનો સામનો કર્યા બાદ મુંબઈગરાએ ગઈ કાલે મસ્ત ઠંડકભરી સવારની મજા માણી હતી. હજી બે દિવસ મુંબઈમાં ઠંડીનો માહોલ રહેશે એવું વેધશાળાનું કહેવું છે.
ગઈ કાલે મુંબઈમાં ૧૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી ઓછું હતું. ઉત્તર ભારતથી આવતા ટાઢાબોળ પવનોને કારણે મુંબઈમાં અત્યારે ઠંડીનો માહોલ સર્જાયો છે જે શુક્રવાર સુધી કાયમ રહેશે ત્યાર બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
વેધશાળાના ડિરેક્ટર સુનીલ કાંબળેએ કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થયેલી બરફવર્ષાને લીધે અત્યારે ઉત્તર ભારતથી ઠંડા પવનો આવી રહ્યા હોવાથી મુંબઈનું વાતાવરણ ઠંડું થયું છે. જોકે આ સામાન્ય બાબત છે. આને આપણે કોલ્ડ વેવ ન કહી શકીએ. બે-ત્રણ દિવસ આવી સ્થિતિ રહેશે ત્યાર બાદ તાપમાનમાં વધારે જોવા મળશે.’
આ પહેલાં ગયા મહિનાની નવમી તારીખે ૧૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આ સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું ટેમ્પરેચર છે. મુંબઈમાં જાન્યુઆરીનો અત્યાર સુધીનો ઠંડો દિવસ ૭.૪ ડિગ્રી સાથે ૧૯૬૨માં નોંધાયો હતો, જ્યારે જાન્યુઆરીનો સૌથી ગરમ દિવસ ૨૦૦૬માં નોંધાયો હતો ત્યારે તાપમાનનો પારો ૩૭.૪ ડિગ્રી સુધી પહોંચ્યો હતો.