મુંબઈમાં આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો

30 September, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે મુંબઈમાં ૩૦૬૮ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કે ગયા વર્ષે ૨૯૭૮.૩ અને ૨૦૨૨માં ૨૬૫૮.૩  મિલીમીટર વરસાદ નોંધાયો હતો

વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં મૉન્સૂનની આ વર્ષની જૂનથી સપ્ટેમ્બર સુધીની સીઝનમાં જે વરસાદ પડ્યો એ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ પડ્યો હોવાનું નોંધાયું છે. આ વર્ષે મુંબઈમાં ૩૦૬૮ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કે ગયા વર્ષે ૨૯૭૮.૩ અને ૨૦૨૨માં ૨૬૫૮.૩  મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એમાં વળી આ વર્ષે જૂન અને ઑગસ્ટ મહિનામાં ઍવરેજ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો. જૂન મહિનામાં સરેરાશ ૫૩૭.૧ મિલીમીટર વરસાદ પડતો હોય છે એ સામે આ વર્ષે ૩૪૭ મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે ઑગસ્ટમાં આ વર્ષે ૩૮૨.૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો જ્યારે કે ઑગસ્ટમાં સરેરાશ ૫૬૬.૪ મિલીમીટર વરસાદ પડતો હોય છે.

આ વર્ષે જુલાઈમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. સરેરાશ જુલાઈ મહિનામાં મૉન્સૂન પીક પર હોય છે અને ઍવરેજ ૮૫૫.૭ મિલીમીટર વરસાદ પડતો હોય છે, જ્યારે આ વર્ષે જુલાઈ મહિનામાં ૧૭૦૨.૩ મિલીમીટર વરસાદ પડ્યો હતો. આ વર્ષે સારો વરસાદ પડતાં મુંબઈગરાના માથેથી પાણીકાપનું સંકટ ટળી ગયું છે. મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં ૨૮ સપ્ટેમ્બરે ૯૯.૪ ટકા પાણીનો સ્ટૉક જમા થઈ ગયો હતો.  

mumbai news mumbai mumbai rains monsoon news Water Cut mumbai water levels