22 July, 2024 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
Mumbai Rains Today : મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારોમાં રવિવારે સાંજ સુધી 100 MMથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેથી અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે, ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે અને દાદર તથા માટુંગા સ્ટેશન વચ્ચે સેન્ટ્રલ રેલવ વિભાગમાં પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે.
રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો. BMC પાસેથી મળેલી માહિતી અનુસાર માત્ર 10 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે 24 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાયગઢમાં મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ રહેશે. આ ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. રવિવારે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં શહેરમાં 100 મીમી, પૂર્વ ઉપનગરોમાં 118 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 110 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે 15 વિમાનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા, જ્યારે રનવે પણ બે વાર બંધ કરવામાં આવ્યો હતો. પ્રાદેશિક હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે સોમવારથી રવિવારની સરખામણીમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી હશે, પરંતુ 24 કલાકમાં 65 મીમીથી વધુ વરસાદ પડશે. 1 જૂનથી 21 જુલાઈ, સવારે 8.30 વાગ્યા સુધીમાં મુંબઈમાં 1551.1 મિમી અને ઉપનગરોમાં 1578 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં લો પ્રેશર અને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે MMRમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
ફ્લાઇટ્સ રદ
Mumbai Rains: શહેરમાં તૂટક તૂટક ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર કુલ 36 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ઍર ઈન્ડિયા, ઈન્ડિગો અને અકાસા દ્વારા સંચાલિત 15 ફ્લાઈટ્સને સાંજે 4 વાગ્યા સુધીમાં નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે, એરપોર્ટ ઓપરેટરને દિવસમાં બે વખત રનવેની કામગીરી સ્થગિત કરવી પડી હતી, એક વખત બપોરે 12.12 વાગ્યે આઠ મિનિટ માટે અને બીજી વખત બપોરે 1 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી.
ટ્રેનોને પણ અસર થઈ
માનખુર્દ, પનવેલ અને કુર્લા સ્ટેશનો નજીક પાણી ભરાવાને કારણે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ 15 થી 20 મિનિટ મોડી પડી હતી, જ્યારે પશ્ચિમ રેલવે વિભાગ પર સેવાઓ સામાન્ય ચાલુ રહી હતી. દાદર અને માટુંગા સ્ટેશનો વચ્ચેની `ડાઉન ફાસ્ટ લાઇન` પરની સેન્ટ્રલ રેલવે સેવાઓને સાંજના સમયે અસર થઈ હતી. આ ઉપરાંત દાદરમાં `અપ અને ડાઉન ફાસ્ટ લાઇન` પરના ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે સમસ્યામાં વધુ વધારો થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે કેટલીક બસો ડાયવર્ટ કરવામાં આવી હતી.
ગોખલે બ્રિજ, અંધેરી સબવે બંધ
અંધેરી સબવે ડીએન નગર ખાતે બંધ કરી દેવામાં આવ્યો છે અને દક્ષિણ તરફ જતા મુસાફરોને ગોખલે બ્રિજ અને ઠાકરે બ્રિજ દ્વારા ઉત્તર તરફ વાળવામાં આવ્યા છે, એમ એક ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. રવિવારે ભારે વરસાદ વચ્ચે નવી મુંબઈના બેલાપુર નોડમાં એક ટેકરી પર પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા 60 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. નવી મુંબઈમાં બપોરે 1.30 વાગ્યા સુધીના પાંચ કલાકમાં 83.38 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાશી, નેરુલ અને સાનપાડાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મધ્ય મુંબઈના વડાલા અને માટુંગામાં પાણી ભરાયેલા રસ્તાઓ પર અનેક વાહનો અટવાઈ પડ્યા હતા.
સીએમ શિંદેએ અધિકારીઓને `હાઈ એલર્ટ` પર રહેવા જણાવ્યું
મુંબઈ અને દરિયાકાંઠાના કોંકણ પ્રદેશ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં શનિવારે ભારે વરસાદ થયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અંધેરી, કુર્લા, લોઅર પરેલ સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ હતી. હવાઈ મુસાફરીને પણ અસર થઈ હતી. જોકે, લોકલ ટ્રેનની કામગીરી સામાન્ય રહી હતી. તે જ સમયે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે અધિકારીઓને `હાઈ એલર્ટ` પર રહેવા જણાવ્યું હતું. શિંદેએ કહ્યું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, સ્થાનિક વહીવટીતંત્ર, મ્યુનિસિપલ સંસ્થાઓ, પોલીસ વગેરેએ હવામાન વિભાગ પાસેથી નિયમિત માહિતી લેવી જોઈએ અને લોકોને રાહત આપવા માટે યોજનાઓ બનાવવી જોઈએ. જરૂરિયાત મુજબ ટ્રાફિક રૂટ બદલો. ખાદ્યપદાર્થો, દવાઓ અને રાહત સામગ્રીનો પૂરતો સ્ટોક જાળવો. લોકો અને પ્રાણીઓ માટે અસ્થાયી આશ્રય શિબિરો બનાવવી જોઈએ.