Mumbai Rains: શહેરમાં ધોધમાર વરસાદને કારણે સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર લોકલ અટકી

19 July, 2023 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધોધમાર વરસાદ (Mumbai Rains)ને કારણે રેલવેના વાહનવ્યવહાર પર અસર પડી છે. મુંબઈ લોકલ (Local Train Stopped)નું શિડ્યુલ ખોરવાઈ ગયું છે અને વરસાદને કારણે સેન્ટ્રલ અને હાર્બર રેલવેને અસર થઈ છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ, થાણે, કલ્યાણ વિસ્તારોમાં મંગળવાર રાતથી ભારે વરસાદ (Mumbai Rains) થઈ રહ્યો છે. ઉલ્હાસનગર, અંબરનાથ અને બદલાપુરમાં ગઇકાલ રાતથી ભારે વરસાદ ચાલુ છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં આખી રાત સતત વરસાદ પડ્યો હતો. મુંબઈમાં હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેથી નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે.

હવે આ ધોધમાર વરસાદ (Mumbai Rains)ને કારણે રેલવેના વાહનવ્યવહાર પર અસર પડી છે. મુંબઈ લોકલ (Local Train Stopped)નું શિડ્યુલ ખોરવાઈ ગયું છે અને વરસાદને કારણે સેન્ટ્રલ અને હાર્બર રેલવેને અસર થઈ છે. પનવેલ અને બેલાપુર વચ્ચેનો વાહનવ્યવહાર થંભી ગયો છે. અંબરનાથથી બદલાપુર સુધીની ટ્રેન સેવા બંધ છે.

અડધો કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો, પરંતુ મધ્ય રેલવેનો જનસંપર્ક વિભાગ અજાણ

મધ્ય રેલવેનો વાહનવ્યવહાર ખોરવાઈ જતાં છેલ્લા અડધા કલાકથી વાહનવ્યવહાર બંધ રહેતા કામે ગયેલા કર્મચારીઓ અટવાયા હતા. સવારનો સમય હોવાથી ઑફિસ જતા મુસાફરોને તકલીફ પડી રહી છે અને પનવેલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ છે. ટ્રેન વ્યવહાર ખોરવાયા બાદ પણ મધ્ય રેલવેનો જનસંપર્ક વિભાગ અડધો કલાક સુધી અજાણ હતો. આખરે અડધા કલાક બાદ રેલવેએ લોકલ સેવા ખોરવાઈ હોવાની જાહેરાત કરી હતી. કેટલીક જગ્યાએ લોકલ મોડી ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ બંધ છે.

મુંબઈની ત્રણેય રેલવે લાઈનો પર વાહનવ્યવહાર ખોરવાયો

મુંબઈની ત્રણેય રેલવે લાઈનો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકલ ટ્રેનો (Local Train) અત્યારે મોડી દોડી રહી છે. લોકલ સમયપત્રક ખોરવાઈ જવાના કારણે નોકરોને કામ પર જતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે લાઇન પરની ટ્રેનો દોડી રહી છે, પરંતુ ટ્રાફિક ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો છે.

થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર

છેલ્લા ત્રણ કલાકમાં કલ્યાણ, ડોમ્બિવલી વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા ત્રણ કલાકમાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં 57 મીમી જ્યારે કલ્યાણ શહેરમાં 35 મીમી વરસાદ નોંધાયો છે. ત્યાં ડોમ્બિવલી વિસ્તારમાં પણ છેલ્લા ત્રણ કલાકમાં 49 મીમી વરસાદ નોંધાયો છે. આજે દિવસભર વરસાદ ચાલુ રહેશે. થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ગઇકાલે પણ મોડી પડી હતી લોકલ ટ્રેન

છેલ્લા બે દિવસથી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેમાં લોકલ સેવાઓની ગતિ મર્યાદિત રહી હતી. એને કારણે મુખ્ય રૂટ પર ફાસ્ટ લોકલ સેવા ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી હતી, જ્યારે વેસ્ટર્ન રેલવે લાઇન પર લોકલ સેવાઓ ૧૦થી ૧૫ મિનિટ મોડી દોડી રહી હતી. એથી અઠવાડિયાના પ્રથમ દિવસે મુંબઈગરાઓ ઑફિસે મોડા પહોંચ્યા હતા અને ગઈ કાલે પણ સેન્ટ્રલ રેલવેની ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓ મોડા પહોંચ્યા હતા. એ સાથે ગઈ કાલે સવારે ગોરખપુર એક્સપ્રેસ બ્રેકડાઉન થતાં કસારા રૂટ પણ અસરગ્રસ્ત થયો હતો.

mumbai rains mumbai monsoon mumbai local train central railway indian railways mumbai mumbai news