આગામી દિવસોમાં મુંબઈમાં કેવો રહેશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

16 August, 2024 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ (Mumbai Rains) પડશે. આ દરમિયાન દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાઓ ભેજમાંથી રાહત મેળવી શકે છે કારણ કે હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં મુંબઈ તેમ જ થાણે અને પાલઘર વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. જુલાઈના અંતમાં શરૂ થયેલા વરસાદે (Mumbai Rains) ઑગસ્ટની શરૂઆતથી વિરામ લીધો છે. જોકે મુંબઈમાં અવારનવાર હળવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ તેના કારણે ગરમી અને ભેજમાં વધારો થયો છે. ઑગસ્ટની શરૂઆતમાં શહેરના કેટલાક વિસ્તારોમાં તેમજ ઉપનગરોમાં વરસાદ પડ્યો હતો. જો કે તે પછી પણ વરસાદની રાહ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં અવાર-નવાર વરસાદના અહેવાલ છે. પરંતુ ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ધાર્યા મુજબ વરસાદ થયો નથી.

દરમિયાન, મુંબઈમાં આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ (Mumbai Rains) પડશે. આ દરમિયાન દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પવનની સ્થિતિ યથાવત છે. ઉપરાંત કફોડી સ્થિતિ પણ સર્જાઈ છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે.

અત્યાર સુધી મુંબઈમાં સીઝનનો ૮૦ ટકા વરસાદ પડી ચૂક્યો છે

મુંબઈમાં આ મૉન્સૂનમાં સીઝનનો ઍવરેજ ૮૦ ટકા કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો હોવાનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યું છે. ગયા વર્ષ કરતાં આ સમયગાળા દરમિયાન આ વર્ષે વધુ વરસાદ (Mumbai Rains) પડ્યો છે.

આ વર્ષે મૉન્સૂનમાં અત્યાર સુધી પડેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાંથી પાંચ ઑલરેડી છલકાઈ ગયાં છે અને બાકીનાં બે પણ છલકાઈ જશે એવું જણાઈ રહ્યું છે. ૯ ઑગસ્ટ સુધી કોલાબામાં ૨૦૨૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૨૨૨૯.૯ મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે ૯ ઑગસ્ટ સુધીમાં કોલાબામાં ૧૭૬૦.૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૨૩૩૯.૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં કુલ ૧૩,૨૫,૧૦૦ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક જમા થઈ ગયો છે. ગયા વર્ષે ૯ ઑગસ્ટ સુધી ૧૧,૮૪,૮૬૧ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક હતો.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ છૂટાંછવાયાં ઝાપટાં પડતાં રહેશે છતાં ૪ દિવસ ડ્રાય સ્પેલ કહી શકાય. હેવી વરસાદની શક્યતા ઓછી છે. ત્યાર પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે, પણ એ વિશે ચોક્કસ આગાહી થઈ ન શકે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ હવે અનેક બીમારીઓ ત્રાટકી છે. લોકો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ગેસ્ટ્રો અને H1N1 જેવા રોગોનો સતત શિકાર બની રહ્યા છે. આ રોગોથી પીડિત દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ઑગસ્ટ 2023માં ગયા વર્ષની સરખામણીમાં ઑગસ્ટ 2024માં દર્દીઓની સંખ્યા વધુ છે. ચોમાસાની બીમારીના દર્દીઓની સંખ્યામાં આ વધારો 1લીથી 14મી ઑગસ્ટ દરમિયાન જોવા મળ્યો છે.

mumbai rains indian meteorological department brihanmumbai municipal corporation mumbai news mumbai news