મુંબઈમાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા: અંધેરી સબવે બંધ, ઍલર્ટ જાહેર

19 July, 2024 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગ, કોલાબા, મુંબઈ (Mumbai Rains) તરફથી મળેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં સવારે 8.30 વાગ્યા સુધી 101 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સાંતાક્રુઝમાં 50.2 મીમી વરસાદ નોંધાયો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં આજે (19 જુલાઈ 2024) સવારથી મુશળધાર વરસાદ (Mumbai Rains) શરૂ થઈ ગયો છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. આખો દિવસ વરસાદ પડવાની ધારણા છે. આ માટે શહેરમાં ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. રાજ્યના રત્નાગીરી, સતારા, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી અને ગોંદિયામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ, કોલાબા, મુંબઈ (Mumbai Rains) તરફથી મળેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં સવારે 8.30 વાગ્યા સુધી 101 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સાંતાક્રુઝમાં 50.2 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારે વરસાદને કારણે અંધેરી સબવે બંધ

મુંબઈમાં ભારે વરસાદ (Mumbai Rains)ને કારણે આજે સવારથી અંધેરી સબવે પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિકને એસવી રોડથી ગોખલે બ્રિજ તરફ વાળવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈમાં 123 મીમી, મધ્ય મુંબઈમાં 119 મીમી અને વડાલામાં 114 મીમી વરસાદ નોંધાયો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ગાંધી માર્કેટ, દાદર, હિંદમાતા, પરેલ, અંધેરી સબવે અને સાયનના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી. મુંબઈમાં આજે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તે સરેરાશ 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. મુંબઈમાં 16.7 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મુંબઈમાં હાઈ ટાઇડ ઍલર્ટ જાહેર

મુંબઈમાં હાઈટાઈડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં મોજાની ઊંચાઈ 4.02 મીટર હોઈ શકે છે.

મુંબઈમાં વરસાદની સાથે વધી રહ્યા છે આ બીમારીના કેસ, સેંકડો દર્દીઓ થયા છે દાખલ

મહારાષ્ટ્રમાં ચોમાસાએ જોર પકડવાનું શરૂ કર્યું છે. જો કે ચોમાસની સાથે સાથે મુંબઈમાં રોગચાળો પણ ફેલાવાની શરૂઆત થઈ છે. વાયરલ અને બેક્ટેરિયલ ચેપ થયેલા લોકોની સંખ્યામાં મોટો વધારો આવ્યો છે. સરકારના અહેવાલ મુજબ જૂન મહિનામાં રાજ્યમાં ડેન્ગ્યુના માત્ર 93 કેસ હતા, જે હવે વધીને 165 થઈ ગયા છે. ડેન્ગ્યુ સાથે આ મહિને લેપ્ટોસ્પાયરોસિસના પણ 52 કેસ નોંધવામાં આવ્યા છે. સ્વાઈન ફ્લૂ (H1N1) માં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. જૂનમાં સ્વાઈન ફ્લૂના માત્ર 10 કેસ હતા, પરંતુ માત્ર 15 દિવસમાં, કેસ વધીને 53 પર પહોંચી ગયા છે. જો કે, સંખ્યા ગયા વર્ષની સરખામણીએ થોડા પ્રમાણમાં ઓછી છે, કારણ કે જુલાઈના 15 દિવસ સુધીમાં, મુંબઈમાં ડેન્ગ્યુના 263 અને લેપ્ટોસ્પાયરોસિસ 104 કેસ નોંધવામાં આવ્યા હતા.

mumbai rains indian meteorological department andheri mumbai mumbai news