ગોવા ટુ મુંબઈ આવવામાં ૮ કલાક લાગી ગયા

09 July, 2024 08:55 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ભારે વરસાદને લીધે આવેલી હેરાનગતિની ચરમસીમા : રવિવારે રાતે ૧૨.૩૦ વાગ્યે ગોવાથી ટેકઆૅફ થયેલી ફ્લાઇટે મુંબઈના આકાશમાં રાતે બે કલાક ચક્કર મારીને હૈદરાબાદ જવું પડ્યું અને ગઈ કાલે સવારે મુંબઈમાં ફરી એક કલાક ચક્કર લગાવવાં પડ્યાં

કરણ દોશી, દર્શેશ શાહ

ચોમાસાની આ સીઝનમાં રવિવારે પહેલો નોંધપાત્ર વરસાદ થયો હતો એમાં ટ્રેન અને વાહનવ્યવહારમાં મુશ્કેલી ઊભી થવાની સાથે ઍર-ટ્રાફિકને પણ અસર પહોંચી હતી. મુંબઈમાં ૫૧ ફ્લાઇટ્સ ડાઇવર્ટ કે કૅન્સલ કરવામાં આવી હતી, જેને લીધે લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ગોવાથી ફ્લાઇટમાં મુંબઈ જ્યાં પચાસ મિનિટમાં પહોંચી શકાય છે એની સામે ભારે વરસાદને લીધે કાંદિવલીની ઇવેન્ટ-કંપનીના પાર્ટનરોને ગોવાથી મુંબઈ ફ્લાઇટમાં આવવામાં આઠ કલાક થયા હતા. રવિવારે રાતે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો એટલે ગોવાથી ટેકઑફ થયેલી આ પાર્ટનરોની ફ્લાઇટે મુંબઈના આકાશમાં બે કલાક ચક્કર લગાવ્યા બાદ પણ લૅન્ડિંગ કરવાનું શક્ય ન થતાં ફ્લાઇટ હૈદરાબાદ ડાઇવર્ટ કરાઈ હતી. મજાની વાત એ છે કે હૈદરાબાદથી મુંબઈ આવવા માટે નીકળેલી આ ફ્લાઇટને ગઈ કાલે સવારે મુંબઈમાં ફરી વરસાદ નડ્યો હતો. મુંબઈના આકાશમાં એક કલાક ચક્કર લગાવ્યા બાદ એ મુંબઈમાં લૅન્ડ થઈ શકી હતી. સામાન્ય રીતે આવી કોઈ ઘટના બને તો ઍરલાઇન્સ દ્વારા પૅસેન્જરો માટે ફૂડની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ સાડાસાત કલાક લોકો ફ્લાઇટમાં હતા ત્યારે તેમને ભજિયાંનું એક અને બિસ્કિટનાં બે પૅકેટ આપવામાં આવ્યાં હતાં.

કાંદિવલી-વેસ્ટમાં આવેલા મહાવીરનગરમાં રહેતા કરણ દોશી અને દર્શેશ શાહ વેડિંગ ઇવેન્ટ કંપનીના પાર્ટનર છે. બન્ને ઇવેન્ટના કામ માટે ગોવા ગયા હતા. તેમની ગોવાથી મુંબઈ આવવા માટે રવિવારે રાતે ૧૨.૧૦ વાગ્યાની ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટનું બુકિંગ હતું. ફ્લાઇટ ૧૨.૩૦ વાગ્યે ટેકઑફ થઈ હતી અને મુંબઈના આકાશમાં રાતે ૧.૨૦ વાગ્યે પહોંચી હતી. 

બે કલાક હવામાં ચક્કર
કાંદિવલી-વેસ્ટમાં મહાવીરનગરમાં રહેતા કરણ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ફ્લાઇટ મુંબઈ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ભારે વરસાદને લીધે લૅન્ડ કરવામાં મુશ્કેલી થઈ રહી હોવાની અનાઉન્સમેન્ટ ફ્લાઇટમાં કરવામાં આવી હતી. બે કલાક સુધી હવામાં ચક્કર લગાવાયા બાદ લૅન્ડિંગ શક્ય ન હોવાથી ફ્લાઇટ હૈદરાબાદ ડાઇવર્ટ કરવામાં આવી રહી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.’

બિસ્કિટનાં બે, ભજિયાંનું એક પૅકેટ
ફ્લાઇટ હૈદરાબાદ પહોંચી ગયા બાદ કોઈને બહાર નીકળવા નહોતા દેવાયા એ વિશે કરણ દોશીએ કહ્યું હતું કે ‘અમારી ફ્લાઇટ હૈદરાબાદ ઍરપોર્ટ પર સવારે ૪ વાગ્યે લૅન્ડ થઈ હતી, પરંતુ કોઈને બહાર નીકળવા નહોતા દેવાયા. લગભગ અઢી કલાક સુધી અમે એમ ને એમ બેસી રહ્યા હતા. બધાને ખૂબ ભૂખ લાગી હોવા છતાં ફૂડ તરીકે ભજિયાંનું એક અને બિ​સ્કિટનાં બે પૅકેટ આપવામાં આવ્યાં હતાં.’

ફરી એક કલાક હવામાં
રવિવારે રાતે હવામાં બે કલાક અને હૈદરાબાદથી મુંબઈ આવીને ફરી એક કલાક આકાશમાં ચક્કર લગાવવા પડ્યાં હતાં એ વિશે કરણ દોશીએ કહ્યું હતું કે ‘હૈદરાબાદથી અમે સવારે ૬.૩૦ વાગ્યે નીકળ્યા હતા. ૪૫થી ૫૦ મિનિટમાં મુંબઈ પહોંચી જવાશે એવું ધાર્યું હતું, પરંતુ સવારે પણ મુંબઈમાં વરસાદ નડ્યો હતો. લગભગ એક કલાક આકાશમાં ચક્કર લગાવ્યા બાદ અમારી ફ્લાઇટ ૮.૩૦ વાગ્યે મુંબઈના ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી. ગોવાથી મુંબઈ આવવા માટે પચાસ મિનિટ લાગે છે એની જગ્યાએ અમને મુંબઈની ધરતી પર પગ મૂકવામાં આઠ કલાક લાગ્યા હતા. હેરાનગતિનો કોઈ પાર નહોતો રહ્યો. અધૂરામાં પૂરું, મુંબઈના ઍરપોર્ટ પર અમારો સામાન આવવામાં પણ એક કલાક લાગ્યો હતો. મુંબઈની ફ્લાઇટ પકડવા અમે ગોવા ઍરપોર્ટ પર રવિવારે રાતે ૯ વાગ્યે પહોંચ્યા હતા અને મુંબઈના અમારા ઘરે પહોંચતા અમને ૧૧ વાગ્યા હતા. આમ ૧૪ કલાક સુધી અમારે ખાસ કંઈ ખાધાપીધા વગર કાઢવા પડ્યા હતા.’

mumbai rains mumbai monsoon mumbai weather Weather Update goa mumbai airport mumbai mumbai news kandivli prakash bambhrolia