01 January, 2024 08:12 AM IST | Mumbai | Rajendra B Aklekar
મુંબઈ-પુણે એક્સપ્રેસવે ટ્રાવેલિંગ માટે થયો સેફ
મુંબઈ ઃ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર જાનહાનિ થતી રહે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરટીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા દર્શાવે છે કે એક્સપ્રેસવે પર ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે જીવલેણ અકસ્માતમાં ૨૩ ટકાનો ઘટાડો થયો છે અને એકંદર મૃત્યુમાં ૨૭ ટકાનો ઘટાડો થયો છે.
ડેટા મુજબ ૨૦૧૯માં આશરે ૭૪ જીવલેણ અકસ્માત થયા હતા, જે ૨૦૨૦માં ઘટીને ૬૨ થયા હતા. ૨૦૨૧માં ફરી વધ્યા, ૭૧ મૃત્યુ થયાં અને ૨૦૨૩માં ૭૩ થયાં હતાં. નવેમ્બર ૨૦૨૩ની આ સંખ્યા ૫૦ છે. ૨૦૧૯માં મૃત્યુઆંક ૯૨ હતો. ત્યાર બાદ ૨૦૨૦માં ૬૬, ૨૦૨૧માં ૮૮, ૨૦૨૨માં ફરી ૯૨ અને જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૩ સુધી ૬૦ છે.
સેવ લાઇફ ફાઉન્ડેશન એક્સપ્રેસવે પર ઍક્સિડન્ટ અને જાનહાનિ ઘટાડવાનાં કામ કરી રહી છે. એના ફાઉન્ડર અને સીઈઓ પીયૂષ તિવારીએ જણાવ્યું કે ‘રાષ્ટ્રીય સ્તરે રોડ ક્રૅશ એ મોટો પ્રશ્ન છે, જેને કારણે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં જીડીપીમા ઓછામાં ઓછા ત્રણ ટકાનું નુકસાન થાય છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકારી, બિન-સરકારી અને વાહનચાલકોએ એકસાથે આવવાની જરૂર છે.’
એક્સપ્રેસવે પર અકસ્માત અને મૃત્યુનાં કારણો જાણવા ઑન-સાઇટ ઑડિટ અને ફૉરેન્સિક ક્રૅશ ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૨૦૧૬ તથા ૨૦૧૮માં બે રોડ અસેસમેન્ટ સર્વે હાથ ધરવામાં આવ્યાં હતાં. ૨૦૨૨માં એક ક્રૅશ ઑડિટ હાથ ધરવામાં આવ્યું હતું, જેનું ૯૪.૫ કિલોમીટરનું લાંબું વિડિયો રેકૉર્ડિંગ પણ હતું. એન્જિનિયરિંગ ઇસ્યુ બહાર લાવવા ચાર ત્રિમાસિક રોડ સેફ્ટી ઑડિટ પણ હાથ ધરવામાં આવ્યા હતા. એના થકી ૩૫૦૦ એન્જિનિયરિંગને લગતા મુદ્દા સામે આવ્યા, જેમાંથી ૨૮૦૦ને સુધારી લેવામાં આવ્યા.
૨૦૧૬માં બ્યુટિફિકેશનના ભાગરૂપે એક્સપ્રેસવેની વચ્ચે ફ્લાવરપૉટ્સ મૂકવામાં આવ્યા હતા. બાદમાં એ રિસ્ક ફૅક્ટર લાગતાં ૨૦૧૭માં એને દૂર કરવામાં આવ્યા હતા, ત્યાં હવે બૅરિયર્સ મૂકવામાં આવ્યાં છે.