મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માતોમાં ઈજાગ્રસ્તોનો જીવ બચાવવા માટે અનોખી પહેલ

19 December, 2024 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાલાપુરની કંપનીઓ ગોલ્ડન અવરમાં ઘાયલ લોકોનો તાત્કાલિક ઇલાજ થાય એ માટે ઑન કૉલ ઍમ્બ્યુલન્સ સેવા પૂરી પાડશે

ખાલાપુરમાં અકસ્માત પછીના ગોલ્ડન અવર વિશે થયેલી બેઠક. એમાં ગોલ્ડન અવર દરમ્યાન અકસ્માતનો ભોગ બનેલા લોકોને કઈ રીતે મદદ કરી શકાય એની યોજના બનાવવામાં આવી હતી.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને ખાલાપુર તાલુકાના વિવિધ માર્ગો પર છેલ્લા ૧૧ મહિનામાં ૬૫થી વધારે લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને ૪૫૦થી વધારે લોકો જખમી થયા છે. મોટા ભાગના લોકોને તાત્કાલિક ઇલાજ ન મળતાં તેમનાં મૃત્યુ થયાં હોવાનું પ્રકાશમાં આવતાં ખાલાપુર તાલુકાના તહસીલદાર અભય ચવાણે મંગળવારે ખાલાપુરમાં વિવિધ ગવર્નમેન્ટ એજન્સીઓ અને સ્થાનિક સંસ્થાઓ તથા સંગઠનો સાથે બેઠક કરી હતી. એમાં ગોલ્ડન અવર દરમ્યાન અકસ્માત થયેલા લોકોને કઈ રીતે મદદ કરી શકાય એની યોજના બનાવવામાં આવી હતી. એમાં ઍમ્બ્યુલન્સની અછતને પહોંચી વળવા ખાલાપુરની તમામ ખાનગી કંપનીઓ ઍમ્બ્યુલન્સ સેવા પૂરી પાડશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે, પાલી-ખોપોલી, ખારપડા-સાવરોલી, પેણ-ખોપોલી, કર્જત-ખોપોલી માર્ગો પર ઍમ્બ્યુલન્સના અભાવે અકસ્માતનો ભોગ બની રહેલા લોકો જીવ ગુમાવી રહ્યા છે. બે દિવસ પહેલાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બે યુવાનોને અકસ્માત પછી તાત્કાલિક ઇલાજ ન મળતાં તેમનાં મૃત્યુ થયાં હતાં એમ જણાવતાં અભય ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખાલાપુર જિલ્લામાં ઍમ્બ્યુલન્સ ખૂબ જ ઓછી હોવાથી અકસ્માત પછી દરદીને હૉસ્પિટલમાં લઈ જવા માટે પરેશાનીનો સામનો કરવો પડે છે અને કેટલાક કિસ્સામાં ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં દરદીનું મૃત્યુ થઈ ગયું હોય છે. આ વર્ષે ૬૫ લોકોનાં અકસ્માતમાં મૃત્યુ થયાં છે. જો ઍમ્બ્યુલન્સ વધારે પ્રમાણમાં હોત તો આમાંના કેટલાક લોકોના જીવ બચાવી શકાયા હોત. એ જોતાં મંગળવારે ખાલાપુરની તમામ કંપનીઓના અધિકારીઓ ઉપરાંત MSRDC, MIDC, PWD, IRB અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.’

ખાલાપુર તાલુકાના તહસીલદાર અભય ચવાણે બીજુ શું કહ્યું?

કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ફન્ડમાંથી ખાલાપુરની તમામ કંપનીઓ દ્વારા ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે. હાલમાં ખાલાપુરની સરકારી હૉસ્પિટલોમાં રહેલી બેથી ત્રણ ઍમ્બ્યુલન્સ ઘાયલ લોકો માટે કાફી નથી. જો વધુ પ્રમાણમાં ઍમ્બ્યુલન્સ હશે તો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગોલ્ડન અવરમાં તેમના જીવ બચાવવામાં મદદ મળી શકશે. CSR ફન્ડમાંથી મળેલી ઍમ્બ્યુલન્સનું મેઇન્ટેનન્સ પણ એ જ કંપનીએ કરવાનું રહેશે. અકસ્માત સમયે જરૂર પડશે ત્યારે સંબંધિત એજન્સી નજીકની કંપનીને ફોન કરીને ઑન કૉલ ઉપલબ્ધ રહેલી ઍમ્બ્યુલન્સ મદદ માટે મગાવશે. આ માટે ખાલાપુરની તમામ કંપનીઓ રાજીખુશી મદદ કરવા માટે આગળ આવી છે અને ટૂંક સમયમાં તેઓ ઍમ્બ્યુલન્સ લઈને ઘાયલ લોકોની મદદ માટે આગળ આવશે.

mumbai pune expressway mumbai-pune expressway pune-mumbai expressway pune pune news mumbai mumbai news mumbai police