19 November, 2023 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બેસ્ટ બસની ફાઇલ તસવીર
મુંબઈમાં વધતાં પ્રદૂષણ (Mumbai Pollution)થી પ્રવાસીઓને બચાવવા બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) તેની બસોની છત પર ઍર પ્યુરિફાયર લગાવવા માટે તૈયાર છે. મુંબઈની બગડતી હવાની ગુણવત્તાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૭ નવેમ્બર, શુક્રવારની સવારે મુંબઈનો ઍર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 145 પર મધ્યમ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. દરમિયાન તે જ દિવસે મુંબઈનું તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ 72 ટકા હતું.
BEST શરૂઆતમાં 350 બસોમાં ઍર પ્યુરિફાયર (Air Purifier) લગાવશે. નોંધનીય છે કે, દરેક ફિલ્ટરની કિંમત લગભગ 50,000 રૂપિયા છે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બરના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે અને આ એકમો ખરીદવા માટેનું ભંડોળ CSR દ્વારા હસ્તગત કરવામાં આવી રહ્યું છે. વાહનોની ઉપર ફિલ્ટરેશન યુનિટ લગાવીને બસો મોબાઈલ ઍર પ્યુરીફાયર તરીકે કામ કરશે. આ ફિલ્ટર્સ પ્રદૂષિત હવા લેશે અને હવામાંથી સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટરને સાફ કરશે. આ હવાની ગુણવત્તા સુધારવામાં થોડી મદદ કરશે.
આ ઍર પ્યુરિફાયર પ્રતિ કલાક 15,000 ક્યુબિક મીટર હવાને સાફ (Mumbai Pollution) કરવામાં સક્ષમ હશે અને 12-15 ગ્રામ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર કેપ્ચર કરવામાં સક્ષમ હશે. આ ઍર પ્યુરિફાયર વેગ પર કામ કરશે અને કોઈપણ વધારાના પાવર સ્ત્રોતની જરૂર પડશે નહીં.
જો આ પદ્ધતિ સફળ સાબિત થશે તો વધુ બસોમાં આવા ફિલ્ટર ફીટ કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ સાથે અધિકારીઓ ટ્રાફિક જંકશનમાં આ પ્યુરિફાયરની મદદથી ઉત્સર્જન સ્તરને નીચે લાવવાની પણ આશા રાખે છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈમાં વાયુ પ્રદૂષણનો પ્રાથમિક સ્ત્રોત વાહનોનું ઉત્સર્જન છે. પરિણામે, આ બસો મોબાઇલ ફિલ્ટરેશન વાન તરીકે કામ કરશે જે ચાલતી વખતે ધૂળના કણોને સાફ કરશે.
મુંબઈમાં આજકાલમાં ઠંડીની અસર વર્તાશે
ભારતીય હવામાન વિભાગનો આ સપ્તાહના અંત સુધી લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાનો અંદાજ છે. ૧૮ નવેમ્બરથી તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. આના કારણે મુંબઈવાસીઓને ગરમીથી રાહત મળશે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સિયસથી ઘટી જાય ત્યારે ડિસેમ્બરમાં શીતલહેર જાહેર કરવામાં આવે છે. મુંબઈકરોને આ સપ્તાહના અંત સુધી ગરમીથી આંશિક રાહત મળશે.’
વેગેરીઝ ઑફ ધ વેધર બ્લૉગના ક્લાયમેટોલૉજિસ્ટ રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે ‘વરસાદ બંધ થતાં જ મુંબઈમાં ગરમી વધી ગઈ છે. આશરે છેલ્લા ૨૩ દિવસથી દિવસનું તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ છે.’
ઑક્ટોબરમાં સૌથી વધુ નોંધાયેલું તાપમાન ૨૦૧૫ની ૧૭ ઑક્ટોબરે ૩૮.૬ ડિગ્રી સેલ્સિયસ હતું. રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે ‘૧૮ નવેમ્બરથી તાપમાન ૧૮-૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જવાની ધારણા છે, જેથી ઈસ્ટની હવા નૉર્થની ઠંડી હવા માટે જગ્યા કરી આપશે. શહેરમાં રાત્રિનું તાપમાન ૫-૬ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડું થઈ જશે.’