03 April, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ કામરા
શિવસેનાપ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મજાક ઉડાવનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાના શોમાં હાજર રહેલા નવી મુંબઈના બૅન્કરને સાક્ષી તરીકે હાજર રહેવાના સમન્સ મુંબઈ પોલીસે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
કુણાલ કામરાના શોમાં સામેલ થયેલા તમામ લોકોને પોલીસને સમન્સ મોકલીને તેમનાં નિવેદન નોંધાવવાનું કહ્યું હોવાના સમાચાર મંગળવારે વહેતા થયા હતા. જોકે મુંબઈ પોલીસે કહ્યું હતું કે તેમણે શોમાં હાજર રહેલા તમામ લોકોને નહીં પણ નવી મુંબઈમાં રહેતા એક બૅન્કરને સાક્ષી તરીકે પોલીસમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. બૅન્કરે કુણાલ કામરાના શોની ટિકિટ બુકમાયશો ઍપમાંથી ૨૯ માર્ચે ખરીદી હતી.
આ બૅન્કર ટૂર પર હોવા છતાં ખાર પોલીસે તેમને સતત ફોન કર્યા હોવાથી તેઓ પોતાની ટૂર અડધી મૂકીને મુંબઈ પાછા આવી ગયા હતા.