પોલીસના કૉમ્બિંગ ઑપરેશનમાં બે કેસ ઉકેલાયા

22 February, 2024 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાંથી અપહરણ કરાયેલી યુવતીને અને ઘરેથી ભાગીને આવેલા યુવાનને બચાવાયાં

મુંબઈ પોલીસ

મુંબઈ : વિરાર પોલીસ દ્વારા શરૂ કરાયેલા કૉમ્બિંગ ઑપરેશનમાં ગુજરાતમાંથી અપહરણ કરાયેલી એક ગુજરાતી યુવતીનો બચાવ કરવામાં આવ્યો હતો તેમ જ ઘરેથી ભાગીને આવેલો એક ગુજરાતી યુવાન પણ મળી આવ્યો હતો. એથી પોલીસના આ કૉમ્બિંગ ઑપરેશનને કારણે બે કેસ ઉકેલાયા હોવાથી પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસ કમિશનરેટ દ્વારા શહેરમાં કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વિરાર પોલીસની વિશેષ ટીમ દ્વારા આ કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમમાં પાંચ પોલીસ અધિકારી અને પચીસ કૉન્સ્ટેબલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરીને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભાઈસાહેબ ડુબે ​​ટ્રેનમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુગલ સ્ટેશન પરિસરમાં શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું હતું. એથી પોલીસ અધિકારીએ પહેલાં તેમના પર ચાંપતી નજર રાખી હતી અને ત્યાર બાદ પોલીસે તેમની પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે આ યુવકે ગુજરાતમાંથી સગીર યુવતીને ફોસલાવીને તેનું અપહરણ કર્યું હતું. આ સંદર્ભે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે યુવતીને બચાવીને યુવકની ધરપકડ કરી હતી. બીજા કેસમાં કૉમ્બિંગ ઑપરેશન ચાલી રહ્યું હતું ત્યારે એક યુવક શંકાસ્પદ રીતે ભાગી રહ્યો હતો. પોલીસે તેને તાબામાં લઈને તેની પૂછપરછ કરતાં તે સુરતથી ઘર છોડીને નીકળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવક ગુજરાતી છે. ઘરમાં ઝઘડો થતાં તે ઘર છોડીને મુંબઈ આવી ગયો હતો. આ યુવકના પરિવારજનો સાથે સંપર્ક કરીને તેને સોંપવામાં આવ્યો છે. 

પોલીસ દ્વારા નાકાબંધી કરીને કરવામાં આવી રહેલું કૉમ્બિંગ ઑપરેશન.

આ કૉમ્બિંગ ઑપરેશનની કામગીરીમાં હોટેલો અને લૉજમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેકૉર્ડ પરના ગુનેગારોને શોધી કાઢવામાં આવી રહ્યા છે અને નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી વિજય પવાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સુશીલકુમાર શિંદે (ક્રાઇમ)ના માર્ગદર્શન હેઠળ આ ઑપરેશન હાથ ધરવામાં આવી રહયું છે.

mumbai news virar Crime News mumbai crime news