28 August, 2023 10:15 AM IST | Mumbai | Prakash Bambhroliya
આફ્રિકાની મહિલાનું રિક્ષામાં ભુલાઈ ગયેલું પર્સ પાછું આપી રહેલી મીરા રોડ પોલીસ
આફ્રિકામાં આવેલા ટાન્ઝાનિયાથી પુત્રીની સારવાર માટે મુંબઈ આવેલી મહિલા રોકડ રકમ સાથેનું પર્સ બે દિવસ પહેલાં રિક્ષામાં ભૂલી ગઈ હતી. પુત્રીની સારવાર માટે રાખેલા અઢી લાખ રૂપિયા અને મોબાઇલ સાથેનું પર્સ આવી રીતે ખોવાઈ જતાં મહિલા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને તેણે પર્સ મળવાની આશા ગુમાવી દીધી હતી. જોકે તેણે મીરા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના કલાકમાં પોલીસે ત્રણ રિક્ષાવાળાને શોધીને ૨૪૦૦ ડૉલર સાથેનું પર્સ પાછું મેળવી આપ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ટાન્ઝાનિયામાં રહેતી નસરા મોહમ્મદ ફક્રીને બ્રેન સંબંધી બીમારી હોવાથી તેણે મીરા રોડમાં આવેલી ભક્તિવેદાંત હૉસ્પિટલના એક ન્યુરોલૉજિસ્ટ ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ લીધી હતી. આથી ગુરુવારે રાત્રે તે પુત્રી સાથે બાંદરાથી ટ્રેનમાં મીરા રોડ આવી હતી. રેલવે સ્ટેશનેથી તેણે તે જે હોટેલમાં રોકાઈ હતી ત્યાં જવા માટે રિક્ષા પકડી હતી અને હોટેલ
પહોંચી હતી. હોટેલમાં ગયા બાદ તેને ખ્યાલ આવ્યો હતો કે ૨૪૦૦ ડૉલર અને ભારતીય ચલણી નોટ તથા મોબાઇલ સાથેનું પર્સ રિક્ષામાં જ રહી ગયું છે.
આથી હોટેલના સ્ટાફ સાથે મહિલા અને તેની પુત્રીએ તેઓ જે રિક્ષામાં હોટેલ આવ્યાં હતાં એની શોધ ચલાવી હતી, પરંતુ તેમને સફળતા નહોતી મળી. આથી તેમણે શુક્રવારે સવારના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
મીરા રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત સરોદેએ આ મામલે તપાસ શરૂ કરાવી હતી. વિદેશી મહિલા જે રિક્ષામાં આવી હતી એનો નંબર સીસીટીવી કૅમેરાના ફુટેજ પરથી મેળવ્યો હતો. ગુરુવારે એ રિક્ષા ચલાવનારો વિરારમાં રહેતો હોવાનું જણાયું હતું. પોલીસે આથી ઉમર ફારુક નામના યુવકની પૂછપરછ કરી હતી. તેણે કહ્યું હતું કે રિક્ષા તેની માલિકીની છે, પણ એ ચલાવવા માટે તેણે કાશીમીરામાં રહેતા મોહમ્મદને આપી છે. આથી પોલીસે મોહમ્મદને શોધ્યો હતો. તેણે કહ્યું હતું કે ગુરુવારે સાંજથી રાતના સમયે તેણે રિક્ષા બીજા એક રિક્ષા-ડ્રાઇવરને ચલાવવા આપી હતી. આથી પોલીસે તેને પણ શોધી કાઢ્યો હતો. તેના ઘરમાંથી વિદેશી મહિલાનું પર્સ મળી આવ્યું હતું.
સિનિયર ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત સરોદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદેશી મહિલા તેની પુત્રી સાથે મીરા રોડ રેલવે સ્ટેશનથી હોટેલ જતી હતી ત્યારે કૅશ રાખેલી બૅગ ભૂલી ગઈ હતી. તે સારવાર કરવા માટે આફ્રિકાથી ભારત આવી છે એટલે તેના માટે બૅગમાં રાખેલા અઢી લાખ રૂપિયા મહત્ત્વના હતા. અમે તાત્કાલિક ધોરણે રિક્ષાવાળાઓને શોધીને તેને પર્સની સાથે કૅશ પણ પાછી અપાવી હતી. રિક્ષાવાળાએ પર્સમાં રાખેલા ભારતીય ચલણી નોટની ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ મળીને પચાસ હજાર રૂપિયા વાપરી નાખ્યા હતા. પર્સમાં રાખેલા ૨૪૦૦ ડૉલર નકલી નોટ હોવાનું રિક્ષાચાલક સમજ્યો હતો એટલે એ બચી ગયા હતા.’