મુંબઈ પોલીસને ફોન પર વધુ એક બૉમ્બની ધમકી મળી

08 October, 2023 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે દિ‍‍ંડોશીમાંથી ૩૦ વર્ષના આરોપીની ધરપકડ કરી ઃ દારૂના નશામાં કૉલ કર્યો હોવાનું તપાસમાં જણાયું

મુંબઈ પોલીસ (પ્રતીકાત્મક તસવીર)


મુંબઈ ઃ શુક્રવારે મોડી રાતે મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં ફરી એક વખત બૉમ્બધડાકા કરવાની ધમકીનો ફોન આવતાં પોલીસની ઊંઘ ઊડી ગઈ હતી. દર વખતની જેમ આ વખતે પણ પોલીસે ધમકીના કૉલને ગંભીરતાથી લીધો હતો અને શહેરનાં તમામ મહત્ત્વનાં સ્થળોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસની તપાસમાં જણાયું હતું કે દારૂના નશામાં દિંડોશીમાં રહેતી એક વ્યક્તિએ ધમકીનો કૉલ કર્યો હતો. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી.
મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમના વૉટ્સઍપ નંબર પર શુક્રવારે રાતે કૉલ આવ્યો હતો કે મુંબઈમાં આતંકવાદી હુમલો થવાનો છે. ધમકીનો કૉલ મળતાં પોલીસ અલર્ટ થઈ ગઈ હતી અને ફોન ક્યાંથી આવ્યો હતો એની તપાસ હાથ ધરી હતી. કૉલ દિંડોશી વિસ્તારમાંથી આવ્યો હોવાની માહિતી હાથ લાગ્યા બાદ વનરાઈ પોલીસે ૩૦ વર્ષના નાગેન્દ્ર જ્ઞાનેન્દ્ર શુક્લની ધરપકડ કરી હતી. આરોપીએ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે ‘પાકિસ્તાનથી આવ્યો છું. સંભાળીને રહેજો. તમારી આસપાસ બે-ત્રણ કલાકમાં બૉમ્બધડાકા થશે. સીમા હૈદરને પાકિસ્તાન નહીં મોકલવામાં આવે તો આ ધડાકા કરાશે.’ 
આટલું કહીને તેણે ફોન કટ કરી નાખ્યો હતો. પોલીસે આરોપીની તપાસ કરતાં જણાયું હતું કે દારૂના નશામાં હતો ત્યારે પોલીસને દોડતી કરવાના ઇરાદે તેણે ફોન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ ધમકીના બોગસ કૉલથી પરેશાન છે. અત્યાર સુધીના ધમકીના તમામ કૉલ ફેક જ પુરવાર થયા છે, પણ આતંકવાદીઓના નિશાના પર કાયમ મુંબઈ હોય છે એટલે પોલીસ કોઈ ચાન્સ નથી લેતી. દરેક ધમકી વખતે પોલીસ અલર્ટ થઈ જાય છે.

mumbai news maharashtra news mumbai police