20 March, 2021 09:20 AM IST | Mumbai | Mehul Jethva
અજય સાવંત, વિકાસ તાંબે
સિનિયર સિટિઝનોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરીને નાસી જતા બે આરોપીઓ અજય સાવંત અને વિકાસ તાંબેની મુંબઈ પોલીસના પ્રૉપ્રર્ટી સેલના અધિકારીઓએ ધરપકડ કરી છે. આમાંના એક આરોપી સામે મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ અને વસઈ-વિરાર જેવા વિસ્તારોમાં ૧૦૦ કરતાં વધુ ગુના રજિસ્ટર છે જેમાં તે આ પહેલાં ૬૦ કરતાં વધુ વાર જેલની હવા ખાઈ આવ્યો છે. જોકે દરેક વખતે જેલમાંથી છૂટ્યા બાદ તે ફરી આ જ કામમાં લાગી જતો હતો.
રવિવારે આરોપીઓ ભોઈવાડામાં આવેલી એક સોસાયટીમાં જઈને ત્યાં રહેતા સિનિયર સિટિઝનને પોતે મહાનગરપાલિકામાંથી આવ્યા હોવાનું કહ્યું હતું એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘આ બહાના હેઠળ ઘરમાં ઘૂસ્યા બાદ એમાંથી એક જણે સિનિયર સિટિઝનને વાતોમાં પરોવીને બીજાએ ઇન્સ્પેક્શનના બહાને તેમના બેડરૂમમાં જઈને કબાટમાં પડેલા બે લાખ રૂપિયાના દાગીના અને ૪૦ હજાર રોકડા સેરવી લીધા હતા. આ ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓને અત્યારે પકડ્યા છે.’
આરોપીઓ અમુક વખત પોતાની ઓળખ નગરસેવકની પણ આપતા હતા એમ જણાવીને એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં બહારગામથી આવેલા એક માણસને આ લોકોએે પોતે બીએમસીનો અધિકારી તેમ જ નગરસેવક હોવાનું કહીને છેતર્યો હતો. આ કેસમાં આરોપીઓએ પેલા માણસને મરાઠીમાં કહ્યું કે હું બીએમસીમાં આવ્યો છું, મારે તારી બૅગ તપાસવી પડશે. એ સમયે બીજાએ પોતે નગરસેવક હોવાનું કહીને તેને વાતોમાં બિઝી રાખ્યો હતો. આ રીતે આ લોકો તેની બૅગમાંથી દોઢ લાખ રૂપિયાના દાગીના અને રોકડ લઈને ભાગી ગયા હતા.’
પોલીસનું શું કહેવું છે?
અનિલ માને, મુંબઈ ક્રાઇમ બ્રાચના પ્રૉપર્ટી સેલના તપાસ અધિકારી
આરોપી પર આ પહેલાંના ૧૦૦ કરતાં વધુ ગુનાઓ અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંનો એક આરોપી પહેલી જાન્યુઆરીએ જ જામીન પર છૂટ્યો હતો. તેઓ મુખ્યત્વે સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતા હતા. બન્ને આરોપીની નવી મુંબઈના ખારઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપી પરિણીત છે અને તેમના મોટા દીકરાઓ છે.