પોલીસની સતર્કતાથી અપહરણ કરાયેલી છોકરીનો થયો બચાવ

12 February, 2024 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંહગડ એક્સપ્રેસમાંથી અપહરણકર્તાની ધરપકડ કરીને આઠ વર્ષની આ છોકરીને હેમખેમ પરિવારજનોને સોંપવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

સિંહગડ એક્સપ્રેસમાં મુસાફરી કરતી વખતે એક પોલીસે બતાવેલી સતર્કતાને કારણે આઠ વર્ષની એક છોકરીના અપહરણનો પ્રયાસપ્રકાશમાં આવતાં એ નિષ્ફળ ગયો હતો. એક ડ્રગ-ઍડિક્ટ આ છોકરીનું વસઈથી અપહરણ કરીને પુણે લઈ જઈ રહ્યો હતો. એ વખતે આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પોલીસને શંકા ગઈ હોવાથી તેણે ચતુરાઈનો ઉપયોગ કરીનેછોકરીને બચાવી લીધી હતી. બલભીમ નનાવરેએબતાવેલી તકેદારી અને તત્પરતાને કારણે બાળકીને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી. અન્યથા આ નશાખોર માણસ છોકરી સાથે દુષ્કર્મ કરી શક્યો હોત. બલભીમ નનાવરે હાલમાં મુંબઈ પોલીસના સિલેક્શન સેલમાં ડેપ્યુટેશન તરીકે કામ કરી રહ્યા છે.

મુંબઈ પોલીસમાં કામ કરતા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર બલભીમ નનાવરે ગુરુવારે રાતે કોર્ટના કામ માટે મુંબઈથી સિંહગડ એક્સપ્રેસથી પુણે જઈ રહ્યા હતા. રાતે લગભગ નવ વાગ્યાની આસપાસ થાણેથી એક વ્યક્તિ આઠ વર્ષની બાળકી સાથે ટ્રેનમાં ચડી હતી. ટ્રેનના જનરલ ડબ્બામાં અન્ય મુસાફરોની ભીડ હતી. આ વ્યક્તિબાળકીને ટ્રેનમાં ફેરિયાઓ પાસેથી સતત રમકડાં અને ખાવાનું આપતી હતી. તે માણસ હિન્દીમાં બોલતો હતો, જ્યારે આ છોકરી મરાઠીમાં બોલતી હતી. એથી પોલીસ અધિકારી બલભીમ નાનાવરેને આ વાત ખટકી રહી હતી.એથી શંકાના આધારે તેણે પૂછપરછ કરતાં પેલા માણસે કહ્યું કે આ મારી દીકરી છે.

આ બનાવ વિશે વધુ માહિતી આપતાં નનાવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં શંકાના આધારે તે બાળકી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બદલે તેમાણસ પોતે જ જવાબ આપી રહ્યો હતો અને બાળકી બોલે તો તે ટાળી રહ્યો હતો. જોકેતે માણસની બદલાયેલી બૉડી-લૅન્ગ્વેજને કારણે મને વધુ શંકા થતી હતી. એથી મેં તે છોકરીની સાથે વાતો કરી તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી તેના મામાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને તરત જ તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ બાળકી વસઈથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. એથી મેં તરત જ તે વ્યક્તિને હું પોલીસ હોવાનું જણાવ્યું હતું અને અન્ય મુસાફરોની મદદથી તેને પકડી લીધી હતી. ત્યાર બાદ પુણે કન્ટ્રોલ રૂમને ફોન કરીને સ્થાનિક પોલીસને બોલાવી હતી અને આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ૩૦ વર્ષના આ આરોપીનું નામ દયાનંદકુમાર શર્મા છે.તે ડ્રગ-ઍડિક્ટ હોવાની સાથેવસઈમાં કામ કરે છે અને બિહારનો વતની છે. તેણે વસઈ-ઈસ્ટના ભોયદાપાડાથી સ્કૂલમાં આવતી આ છોકરીનું લાલચ આપીને અપહરણ કર્યું હતું.’

મને શરૂઆતથી જ આ શંકાસ્પદ લાગી રહ્યું હતું એમ જણાવીને બલભીમ નનાવરેએ કહ્યું હતું કે ‘તે માણસ છોકરીનો પિતા હોવાનો દાવો કરી રહ્યો હતો, પરંતુ તે તેની દીકરી નહોતી. તે છોકરીને મારી સાથે વાત કરતાં અટકાવતો હતો ત્યારે મને તેના પર શંકા વધી હતી અને વધુ તપાસ બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો.’

વાલિવ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન સાનપે જણાવ્યું હતું કે ‘વાલિવ પોલીસ સ્ટેશનમાં આ આઠ વર્ષની બાળકીના અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. અમે તપાસ કરી રહ્યા હતા ત્યારે બાળકી સિંહગડ એક્સપ્રેસમાંથી મળી હતી. અમે આરોપીની ધરપકડ કરી છે અને તેને પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.’

mumbai police vasai pune thane mumbai crime news Crime News mumbai mumbai news