મુંબઈ પોલીસે ડ્રગ-માફિયા અને દાઉદના સાગરીત સલીમ ડોલા સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી

10 May, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલીમ ડોલાને આ પહેલાં મુંબઈની ઍન્ટિ નાર્કોટિક સેલ અને ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ પણ પકડ્યો હતો.

સલીમ ડોલા

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે માર્ચમાં સાંગલીમાં રેઇડ પાડીને ૨૫૨ કરોડ રૂપિયાનું ૧૨૨.૫ કિલો મેફેડ્રોન પકડી પાડ્યું હતું. એ કેસની તપાસમાં સલીમ ડોલાનું નામ બહાર આવ્યું હતું અને એ ડ્રગનો મેઇન સપ્લાયર હોવાનું જણાઈ આવ્યું હતું એથી ક્રાઇમ બ્રાન્ચે તે દેશ છોડીને ભાગી ન જાય એ માટે તેની સામે લુક ઉટ નોટિસ ઇશ્યુ કરી છે. પોલીસે સલીમ ડોલાના દીકરાઓ સામે પણ લુક આઉટ નોટિસ ઇશ્યુ કરી છે.  સલીમ ડોલા વિશે વધુ માહિતી મેળવતાં જાણવા મળ્યું હતું કે એ પહેલાં દાઉદ ઇબ્રાહિમનો સાગરીત છે અને તે દાઉદનો ડ્રગ્સનો ધંધો સંભાળે છે. વળી તે અવારનવાર દુબઈ અને ટર્કી આવતો-જતો રહે છે. તે દાઉદનો રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ સંભાળે છે, પણ તેનો મુખ્ય ધંધો ડ્રગ્સની હેરફેરનો છે. સલીમ ઘણા બધા ડ્રગ્સના કેસમાં વૉન્ટેડ છે. દાઉદ છોટા શકીલ સાથે પણ સંપર્કમાં છે એવું જાણવા મળ્યું છે.  

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યા અનુસાર આ કેસના મુખ્ય આરોપી પ્રવીણ ઉર્ફે નાગેશ રામચંદ્ર શિંદે ૨૦૧૬માં જ્યારે જેલમાં હતો ત્યારે તેની ઓળખાણ અન્ય એક આરોપી સાથે થઈ હતી જેણે તેની ઓળખાણ સલીમ ડોલા સાથે કરાવી હતી. એ પછી પ્રવીણ શિંદે સલીમ ડોલા અને તેના સાગરીત સાલેમ શેખ સાથે ઘણી બધી મોબાઇલ ઍપ્લિકેશન્સથી સંપર્કમાં રહેતો હતો. સલીમ ડોલાએ જ તેને કઈ રીતે હાઈ ક્વૉલિટી ડ્રગ્સ બનાવવું એ શીખવાડ્યું હતું અને તેને ફૅક્ટરી શરૂ કરાવવામાં પણ મદદ કરી હતી. એ પછી સલીમ ડોલાના સાગરીતો તેને માલ પણ પૂરો પાડતા હતા અને ડ્રગ્સનું વેચાણ થયા બાદ સલીમ ડોલાને હવાલા મારફત પૈસા પહોંચાડતા હતા.  

સલીમ ડોલાને આ પહેલાં મુંબઈની ઍન્ટિ નાર્કોટિક સેલ અને ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ પણ પકડ્યો હતો. તે ઇકબાલ મિર્ચી માટે પણ કામ કરતો હતો. ઍન્ટિ નાર્કોટિક્સ સેલમાં તે કરોડોના ડ્રગકેસમાં પકડાયો હતો, જ્યારે DRIએ તેને ગુજરાતના પીપાવાવ પોર્ટ પરથી ૫.૫ કરોડના ગુટકાની સ્મગલિંગના કેસમાં પકડ્યો હતો. ઍન્ટિ નાર્કોટિક્સ સેલના કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ એ ટર્કી જતો રહ્યો હોવાનું મનાય છે.

mumbai news mumbai crime branch mumbai police dawood ibrahim