09 December, 2022 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આવક કરતાં વધુ સંપત્તિના મામલે ઉદ્ધવ ઠાકરે સામે મુંબઈ પોલીસની તપાસ શરૂ
મુંબઈ : મુંબઈ પોલીસે ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે બેહિસાબ સંપત્તિ અંગેની ફરિયાદ પર તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારજનો વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવા બદલ ઠાકરે પરિવાર સામે ઈડી અને સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરતી જાહેર હિતની યાચિકા પર જસ્ટિસ ધીરજ ઠાકુર અને જસ્ટિસ વાલ્મીકિ મેનેઝીસની ડિવિઝન બેન્ચે આદેશ અનામત રાખ્યા બાદ પબ્લિક પ્રોસિક્યુટર અરુણા કામત પાઈએ હાઈ કોર્ટને ઉપરોક્ત જાણકારી આપી હતી.
બિહેવિયર ઍન્ડ સૉફ્ટ સ્કિલ કન્સલ્ટન્ટ અને શહેરનાં રહીશ ગૌરી ભીડે દ્વારા દાખલ કરાયેલી યાચિકામાં ઠાકરે પરિવાર વિરુદ્ધ તટસ્થ અને સઘન તપાસ હાથ ધરવાનો સીબીઆઇ અને ઈડીને હુકમ કરવાની માગણી કરાઈ હતી.
ઉદ્ધવ, રશ્મિ અને આદિત્ય ઠાકરેના સિનિયર કાઉન્સેલ્સ અસ્પી ચિનોય અને અશોક મુંદરગીએ જણાવ્યું હતું કે યાચિકા તદ્દન પાયાવિહોણી છે અને કેવળ ધારણાના આધાર પર દાખલ કરાઈ છે. તેમણે યાચિકાને ફગાવી દેવાની માગણી કરી હતી.
અશોક મુંદરગીએ દલીલ કરી છે કે ગૌરી ભીડેએ પોલીસ ફરિયાદ કે પ્રાઇવેટ કમ્પ્લેઇન્ટ નોંધાવવી જોઈતી હતી. જ્યારે વૈકલ્પિક ઉપાયો અજમાવી લીધા હોય અને એમાં કોઈ રાહત ન મળી હોય ફક્ત ત્યારે જ હાઈ કોર્ટનું અધિકાર ક્ષેત્ર આવે છે.
ગુરુવારે બપોરના સેશનમાં અરુણા કામત પાઈએ રાજ્ય સરકારના વલણ વિશે અદાલતને જાણ કરવા આ મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે આ આક્ષેપોની પ્રાથમિક તપાસ આદરી છે.
આ સામે અસ્પી ચિનોયે વાંધો ઉઠાવતાં આને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવ્યો હતો.
શું છે યાચિકા?
ગૌરી ભીડે મુંબઈના દાદર વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમણે યાચિકામાં કહ્યું છે કે જાગૃત નાગરિક તરીકે તેઓ કેન્દ્ર સરકારને કેટલીક છુપાયેલી, બિનહિસાબી, આવક કરતાં વધુ સંપત્તિ શોધી કાઢવામાં મદદ કરવા ઇચ્છે છે.
યાચિકામાં આક્ષેપ કરાયો છે કે ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારે કદી કોઈ ચોક્કસ સેવા, વ્યવસાય કે ધંધાને આવકના સત્તાવાર સ્રોત તરીકે દર્શાવ્યાં ન હોવા છતાં મુંબઈ અને રાયગડ જિલ્લામાં તેમની કરોડો રૂપિયાની મિલકતો આવેલી છે.
કોરોનાકાળમાં લૉકડાઉન દરમિયાન જ્યારે સમગ્ર પ્રિન્ટ મીડિયા ખોટ ખાઈ રહ્યું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરેની કંપની પ્રબોધન પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડે ૪૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને ૧૧.૫૦ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હોવાનો યાચિકામાં દાવો કરવામાં આવ્યો હતો.