06 December, 2024 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘર, ઑફિસ કે દુકાન ભાડે આપનારા અને ભાડે લેનારા લોકો સામે મુંબઈ પોલીસે બુધવારથી સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરી છે. એમાં ઘર અથવા અન્ય કોઈ મિલકત ભાડે આપી હોવા છતાં એનું રેન્ટ-ઍગ્રીમેન્ટ ન કરાવનાર મકાનમાલિક સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘર ભાડે આપીને રેન્ટ-ઍગ્રીમેન્ટ ન કરીને કાયદાના નિયમનું ઉલ્લંઘન કરનાર કે. સુબ્રમણિ તેવર સામે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં બુધવારે FIR નોંધીને તેને તાબામાં લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યા અનુસાર મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં આવી તપાસ કરીને વધુ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બાબા સિદ્દીકીની હત્યા કરનારા આરોપીઓ ભાડાની રૂમમાં રહેતા હતા અને ઘરમાલિકે એનું કોઈ ઍગ્રીમેન્ટ બનાવ્યું નહોતું જેને કારણે એ જ આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો એટલે આ પ્રકારની મોટી ઘટનાઓ રોકવા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે એમ જણાવીને મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના ઝોન સાતના સિનિયર ઇન્સ્પેક્ટર આત્માજી સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં ઍર-ફ્લાઇટો અને મોટી હોટેલોને બૉમ્બથી ઉડાવી દેવા ઉપરાંત ફિલ્મસ્ટારોને પણ જાનથી મારી દેવાની ધમકીઓ મળી છે. મુંબઈ આર્થિક રાજધાની હોવાથી એની સુરક્ષાના ભાગરૂપે વિવિધ પગલાં પોલીસ દ્વારા લેવામાં આવતાં હોય છે. બાબા સિદ્દીકી કેસ પછી મુંબઈનાં પોલીસ-સ્ટેશનો સહિત ક્રાઇમ બ્રાન્ચનાં યુનિટોને ઘર, ઑફિસ કે દુકાન ભાડે આપીને ઍગ્રીમેન્ટ ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. એ અંતર્ગત અમે કાર્યવાહી શરૂ કરી છે. એસ્ટેટ એજન્ટો અને ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી લઈને અમે તપાસ કરી રહ્યા છીએ અને જો આવું કોઈ મળી આવે છે તો ઘરમાલિક સામે નજીકના પોલીસ-સ્ટેશનમાં FIR નોંધવામાં આવી રહ્યો છે.’