લોકલમાંથી થઈ કૂતરાની ચોરી

03 March, 2024 02:15 PM IST  |  Mumbai | Mehul Jethva

જોગેશ્વરી સ્ટેશને ટ્રેનમાંથી ટીનેજર પાસેથી ડૉગી લઈને નાસી ગયેલા યુવાનને ૧૦ પોલીસની ટીમે ૧૫૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસીને શોધી કાઢ્યો

ડૉગીને પાછો સોંપી રહેલી બોરીવલી રેલવે પોલીસ

રેલવે પોલીસનું કહેવું છે કે પહેલવહેલી વાર તેમની પાસે આવો કેસ આવ્યો હોવાથી એની ફરિયાદ નોંધવા પહેલાં લીગલ પ્રોવિઝન્સ જોવાની સાથે સિનિયર ઑફિસરની પરમિશન લેવી પડી હતી. જોગેશ્વરી સ્ટેશને ટ્રેનમાંથી ટીનેજર પાસેથી ડૉગી લઈને નાસી ગયેલા યુવાનને ૧૦ પોલીસની ટીમે ૧૫૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસીને શોધી કાઢ્યો

ખારમાં રહેતો ૧૪ વર્ષનો કિશોર ગોરેગામથી ચર્ચગેટ પોતાની સાથે ડૉગીનાં બે બચ્ચાં લઈને ટ્રેનના લગેજ ડબ્બામાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે જોગેશ્વરી રેલવે સ્ટેશન પર એક યુવાન આમાંનો એક મહિનાનો જર્મન શેફર્ડ બ્રીડનો શેરુ નામનો ડૉગી લઈને ત્યાંથી નાસી ગયો હતો. કિશોરે ડૉગી લઈને નાસી ગયેલા યુવાનનો પીછો કર્યો હતો, પણ તે મળ્યો નહોતો. અંતે આ ઘટનાની જાણ બોરીવલી રેલવે પોલીસને કરવામાં આવતાં એણે પ્રાથમિક માહિતીના આધારે ડૉગી ચોરી થવાની ફરિયાદ નોંધીને એને શોધવા માટે ૧૦ લોકોની ટીમ તૈયાર કરી હતી. એ સાથે જ આશરે ૧૫૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસીને ડૉગીને લઈને નાસી ગયેલા ચોરની ધરપકડ કરીને ડૉગીને એના મૂળ માલિકને સોંપ્યો હતો.

ખાર-પશ્ચિમમાં રહેતાં અને બૉમ્બે હાઈ કોર્ટમાં વકીલ તરીકે કામ કરતાં ૩૪ વર્ષનાં ઍનિમલ ​ઍક્ટિ​વિસ્ટ હર્ષાલી ગુપ્તેએ કરેલી ફરિયાદ અનુસાર ૧૪ વર્ષનો ઍનિમલપ્રેમી કાર્તિક કાળે તેના બે ડૉગી શેરુ અને રાણી સાથે ૧૯ ફેબ્રુઆરીએ ગોરેગામ રેલવે સ્ટેશનથી ચર્ચગેટ જતી લોકલના લગેજ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો. હાર્બર લાઇનના જોગેશ્વરી સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે એ કોચમાં હાજર એક યુવાન કાર્તિકના હાથમાં રહેલો એક ડૉગી લઈને ટ્રેન ચાલુ થતાં જ ભાગી ગયો હતો. કાર્તિકે ચાલુ ટ્રેનમાંથી પ્લૅટફૉર્મ પર ઊતરીને તે યુવાનની શોધ કરી હતી, પરંતુ તે મળ્યો નહોતો. અંતે શેરુ ચોરી થયો હોવાની ફરિયાદ બોરીવલી પોલીસે નોંધીને એને શોધવા માટે ટીમ તૈયાર કરી હતી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ સહિત સિટી પોલીસની મદદ લીધા બાદ જોગેશ્વરીમાં તપાસ કરી હતી અને સુરેશ હડકે નામના ચોરની ધરપકડ કરી તેની પાસેથી ડૉગી મેળવી ઍ​નિમલ-લવરને પાછો આપ્યો હતો.

ઍનિમલ ​ઍક્ટિ​વિસ્ટ હર્ષાલી ગુપ્તેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉગી ચોરાયો હોવાની માહિતી મળતાં અમે રેલવે પોલીસ પાસે મદદ માટે ગયાં હતાં. તેમણે તરત જ્યાંથી ડૉગી ચોરી થયો ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસી શેરુ ચોરી થયો હોવાનો એફઆઇઆર નોંધીને એને શોધવા માટે પ્રયાસો કર્યા હતા અને શોધી આપ્યો હતો.’

બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તા ખુપેરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે પોલીસની હદમાં આવો પહેલો કેસ હશે જેમાં કોઈ પ્રાણી ચોરી થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હોય. આ કેસ નોંધવા પહેલાં અમારે લીગલ પ્રો‌િવઝન્સ જોવાની સાથે સિનિયર અધિકારીઓ પાસેથી પરવાનગી લેવી પડી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમારા અધિકારીઓ પાસે પણ આવો નવો કેસ આવ્યો હોવાથી તેઓ પણ એને સૉલ્વ કરવા માટે એટલા જ ઉત્સુક હતા. અમે દિવસ-રાત કામ કરી ખબરીઓ પાસેથી માહિતી મેળવી આશરે ૧૫૦ કરતાં વધુ સીસીટીવી ફુટેજ તપાસીને આરોપીને જોગેશ્વરીમાંથી પકડી પાડ્યો હતો. ડૉગી એક નજરે જોતાં ખૂબ જ ગમી ગયો હતો એવું આરોપીએ ડૉગી ચોરી કરવા પાછળનું કારણ આપ્યું હતું.’

khar santacruz jogeshwari mumbai police railway protection force mumbai railways mumbai mumbai news borivali mehul jethva