‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા સામે પવઈ પોલીસે એફઆઇઆર નોંધ્યો

21 June, 2023 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિરિયલની અભિનેત્રીએ કરેલી ફરિયાદના આધારે અસિતકુમાર મોદી અને અન્યો સામે જાતીય સતામણીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી

ફાઇલ તસવીર

દેશભરમાં ઘરે-ઘરે જોવાતી કૉમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિતકુમાર મોદી, ઑપરેશન હેડ સોહિલ રમાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે સિરિયલની એક અભિનેત્રીએ કરેલી ફરિયાદના આધારે પવઈ પોલીસે જાતીય સતામણીનો ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. પવઈ પોલીસ ટૂંક સમયમાં અસિતકુમાર મોદીને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા છે.  

થોડા વખત પહેલાં અસિતકુમાર મોદી અને ઉપરોક્ત બન્ને સામે અભિનેત્રીએ પવઈ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અભિનેત્રીનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું, પણ એફઆઇઆર નોંધ્યો નહોતો. પોલીસનું એ વખતે એમ કહેવું હતું કે તેઓ એ બાબતે તપાસ કરશે અને ત્યાર બાદ એઇઆઇઆર નોંધશે. જોકે ફરિયાદ કર્યા બાદ પણ લાંબો સમય સુધી એફઆઇઆર નોંધવામાં ન આવતાં અભિનેત્રી સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યે પવઈ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને મધરાતે સાડાબાર વાગ્યા સુધી ત્યાં જ હતી. આખરે પવઈ પોલીસે એફઆઇઆર નોંધ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે ‘એ લોકોએ મારા પર એવા આરોપ મૂક્યા છે - ખાસ કરીને અમે જ્યારે આઉટડોર શૂટિંગ માટે ગયા હોઈએ ત્યારે કે હું બધા સાથે મારામારી કરતી હતી અને આઉટ ઑફ કન્ટ્રોલ થઈ જતી. વળી હું સેટ પરના પુરુષ સભ્યો સાથે ગેરવર્તણૂક કરતી હતી અને એને કારણે સેટ પરનું વાતાવરણ અનકમ્ફર્ટેબલ બની જતું હતું. આ બધા જ આરોપો જુઠ્ઠા છે અને મને લાગે છે કે મારી સામે આ બનાવટી આરોપો ઊભા કરવા માટે તેમણે લાંબો સમય લીધો છે. તેમણે આ સંદર્ભે તેમનો ખુલાસો ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ કમિટીને આપ્યો છે. આ ઉપરાંત ડીસીપી, કલેકટર અને પવઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને પત્રો લખ્યા છે. જોકે હું બધી જ બાબતો કોર્ટમાં પુરવાર કરીશ, કારણ કે મારી પાસે પુરાવા છે અને રેકૉર્ડિંગ છે. હું પોલીસ આ બાબતે કંઈ કરે એ માટે રાહ જોતી હતી, પણ પોલીસે ખાસ કોઈ ઍક્શન લીધી નહોતી.’   

અસિતકુમાર મોદી શું કહે છે?

પવઈ પોલીસ સ્ટેશનમાં તેમની સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભે ખુલાસો આપતાં અસિતકુમાર મોદીએ ‘મિડ-ડે’ને મેસેજ મોકલીને કહ્યું હતું કે ‘આ પહેલાં પણ અમે અમારું સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છીએ. અમે અમારા પર લગાડવામાં આવેલા તમામ આરોપ ફગાવીએ છીએ અને અમે અમારું સ્ટેટમેન્ટ પોલીસને આપ્યું છે. ઍનીવે, હાલ મેટરની તપાસ ચાલી રહી છે એથી એ બાબતે વધુ કંઈ નહીં કહીએ.’  

taarak mehta ka ooltah chashmah asit kumar modi sab tv mumbai police indian television television news mumbai mumbai news