પોલીસે ઝીણવટભરી તપાસ કરીને ૬ લાખનાં ઘરેણાં લઈને નાસી જનારા રિક્ષાવાળાને પકડ્યો

09 December, 2023 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુરાર પોલીસે ઘટનાસ્થળે જઈને સીસીટીવી ફુટેજ મેળવ્યાં હતાં

ઘરેણાં અને ગિફ્ટ-કવરની રિક્ષામાં ભુલાયેલી બૅગ પાછી મળી

કુરાર પોલીસે ૧૧ નવેમ્બરે એક મહિલાની બૅગમાં ૬ લાખ રૂપિયાનાં ઘરેણાં હતાં એ લઈને નાસી જનાર રિક્ષાવાળાને સીસીટીવી ફુટેજ અને ખબરી નેટવર્કની મદદથી આખરે ઝડપી લીધો હતો.

આ ઘટનાનો ભોગ બનેલી સોનલ ભોસલે ઘટનાના દિવસે બોરીવલી-ઈસ્ટના નૅશનલ પાર્કથી પોતાનાં બે બાળકો સાથે મલાડ-ઈસ્ટના લક્ષ્મીનગર આવવા નીકળી હતી. જ્યારે તેઓ લક્ષ્મીનગર પહોંચ્યાં ત્યારે વરસાદ પડી રહ્યો હતો એટલે તેમને ઊતરતાં થોડી વાર લાગી હતી. તેઓ રિક્ષામાંથી ઊતરીને પોતાની બૅગ લે એ પહેલાં જ ૪૧ વર્ષનો રિક્ષાવાળો શિવપ્રસાદ યાદવ તેની રિક્ષા ભગાવી ગયો હતો. સોનલ ભોસલેની એ બૅગમાં ૧૨ તોલા સોનાના ૬ લાખ રૂપિયાનાં ઘરેણાં હતાં. આ બધું એટલું ઝડપથી બની ગયું કે સોનલ ભોસલે એ રિક્ષાનો નંબર ન લઈ શકી. ત્યાર બાદ તેણે ઘરે આવીને પરિવારમાં એ વિશે વાત કરી અને આખરે બે દિવસ પછી તેણે આ બાબતે કુરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કુરાર પોલીસે ઘટનાસ્થળે જઈને સીસીટીવી ફુટેજ મેળવ્યાં હતાં. ત્યાર બાદ એ રિક્ષા આગળ ક્યાં-ક્યાં ગઈ એને આધારે તેમ જ આ બાબત ખબરી-નેટવર્કમાં પણ સર્ક્યુલેટ કરીને આખરે રિક્ષાવાળા શિવપ્રસાદ યાદવને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ચોરાયેલાં એ તમામ ઘરેણાં પાછાં મેળવ્યાં હતાં. 

ઘરેણાં અને ગિફ્ટ-કવરની રિક્ષામાં ભુલાયેલી બૅગ પાછી મળી

દહિસર-વેસ્ટના નવાગાંવ વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના ભારત ભૂષણ આર્ટે ૬ ડિસેમ્બરે મધરાત બાદ તેમના દીકરીનાં લગ્ન પતાવી દહિસર-ઈસ્ટના વૈશાલીનગરથી ઘરે આવ્યા હતા અને લગ્નનાં ઘરેણાં અને ગિફ્ટમાં લોકોએ આપેલાં કવર મળીને કુલ ૮ લાખ રૂપિયાની માલમતા ભરેલી બૅગ રિક્ષામાં જ ભૂલીને ઘરે આવી ગયા હતા. ત્યાર બાદ તેમને જાણ થઈ કે બૅગ તો રિક્ષામાં જ રહી ગઈ. એટલે તેમણે તરત જ આ બાબતે એમએચબી પોલીસનો સંપર્ક કરીને મદદ માગી હતી. એમએચબી પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ સીસીટીવી ફુટેજની મદદથી એ રિક્ષાને ઓળખી કાઢી હતી અને એ રિક્ષાને બોરીવલી-વેસ્ટથી દહિસર-ચેકનાકા સુધી ટ્રેક કરીને આખરે એક જ કલાકમાં એ રિક્ષાવાળા પાસેથી એ બૅગ મેળવીને ભારત ભૂષણ આર્ટેને સોંપી હતી. ઘરેણાં અને રકમ પોલીસે પાછાં મેળવી આપતાં આર્ટે પરિવારમા આનંદ છવાઈ ગયો હતો અને તેમણે પોલીસનો આભાર માન્યો હતો. 

malad Crime News mumbai crime news mumbai police mumbai mumbai news borivali sanjay gandhi national park