ટીનેજરની છેડતી કરનાર યુવકને પોલીસ ઉત્તર પ્રદેશથી પકડી લાવી

30 August, 2024 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે ગુનો નોંધીને ઝડપી તપાસ કરી હતી, પણ આરોપી જિશાનનો મોબાઇલ બંધ આવતો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દહિસર-વેસ્ટમાં નદી પાસે રહેતી ૧૩ વર્ષની ટીનેજર રવિવારે રાતે ઘરની નજીકની દુકાનથી ખરીદી કરીને પાછી ફરી રહી હતી ત્યારે એ જ વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષનો મોહમ્મદ જિશાન તેનો વિનયભંગ કરીને નાસી ગયો હતો. આ વાત ટીનેજરે ઘરે જઈને તેના પેરન્ટ્સને કહેતાં દહિસર-વેસ્ટના મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ (MHB) પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 
પોલીસે ગુનો નોંધીને ઝડપી તપાસ કરી હતી, પણ આરોપી જિશાનનો મોબાઇલ બંધ આવતો હતો. જોકે તેણે એ જ વિસ્તારમાં રહેતા તેના ભાઈને બીજા નંબર પરથી ફોન કર્યો હતો અને તેને કહ્યું હતું કે તે બોરીવલીમાં જ છે. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના દિબોહી ગામનો છે. તેના પિતાના નંબર પર આવેલા ફોનનું લોકેશન ટ્રેસ કરતાં એ રેલવેલાઇનની નજીકનો ટાવર બતાવતું હતું. એથી પોલીસ એ તારણ પર પહોંચી હતી કે આરોપી તેના વતન જઈ રહ્યો છે. એથી MHB પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. એ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી અને ત્યાંથી જિશાનને બુધવારે ઝડપી લેવાયો હતો.

mumbai police mumbai crime news Crime News uttar pradesh Protection of Children from Sexual Offences Act POCSO