22 November, 2023 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેગમાં મળેલી મહિલાની બૉડી
જીવલેણ બની રહ્યા છે લિવ-ઇન રિલેશન્સ
કુર્લા-વેસ્ટના સીએસટી રોડ પર શાંતિનગર નજીક મેટ્રોની સાઇટ પાસે રવિવારે બપોરે સૂટકેસમાં મળેલા એક મહિલાના મૃતદેહનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી અને ઝીણવટભરી તપાસ કરીને ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.
મહિલાનો મૃતદેહ બૅગમાંથી મળી આવ્યા બાદ કેસની ગંભીરતા જોઈને ક્રાઇમ યુનિટ-૧ના ડીસીપી રાજ તિલક રોશને આરોપીને ઝડપી લેવા આઠ ટીમ બનાવી હતી. પોલીસ-ટીમના આ ઑફિસરો અને કર્મચારીઓની ટીમે દિવસ-રાત એક કરીને એની તપાસ કરી હતી. એ વિસ્તારના અલગ-અલગ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવામાં આવ્યાં હતાં. મૃતક મહિલાના ગળામાં ક્રૉસ ધરાવતી માળા (રોઝરી) મળી આવી હોવાથી પોલીસે અલગ-અલગ ચર્ચમાં એ વિશે પૂછપરછ શરૂ કરી હતી, જેમાં ધારાવીના ચર્ચમાં તેને ઓળખનારા મળી આવ્યા હતા. ત્યાર બાદ તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતાં મૃતકની બહેને તેને ઓળખી કાઢી હતી. તે પ્રતિમા પૉવેલ કિસપટ્ટ (૨૫ વર્ષ) હોવાનું જણાઈ આવ્યું હતું અને તેના લિવ-ઇન પાર્ટનર સાથે છેલ્લા બે મહિનાથી ધારાવીના એમ. જી. નગરમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. એથી પોલીસે એ દિશામાં તપાસ કરીને આખરે તેના લિવ-ઇન પાર્ટનર અસ્કર મનોજ બારલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રતિમા અને અસ્કર બંને ઓડિશાના છે. અસ્કર તેના વતનમાં નાસી જવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતાં પોલીસે પણ ઝડપ કરી હતી અને આખરે તેને લોકમાન્ય ટિળક ટર્મિનસ પરથી ઝડપી લીધો હતો. તેણે પ્રતિમાની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. તે અને પ્રતિમા સાથે રહેતાં હતાં, પણ તેને શંકા હતી કે પ્રતિમા અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ધરાવે છે એટલે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. આખરે ઉશ્કેરાઈ ગયેલા અસ્કરે રવિવારે રાતે તેની હત્યા કરી હતી અને ત્યાર બાદ તેનો મૃતદેહ બૅગમાં ભરી બૅગ મધરાત બાદ બે વાગ્યે સીએસટી રોડ પર મૂકીને નાસી ગયો હતો. સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ કોઈનું ધ્યાન જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
અસ્કરે તેની કબૂલાતમાં શું કહ્યું?
ચકચારભર્યા આ હત્યાકેસની માહિતી આપતાં ડીસીપી રાજ તિલક રોશને કહ્યું હતું કે ‘લૉકડાઉન વખતે વતન ઓડિશા પાછા જઈ રહેલા અસ્કરની ઓળખ બસમાં પ્રતિમા સાથે થઈ હતી. વાત-વાતમાં તે બંને એક જ ગામના હોવાની જાણ થતાં તેમની ઓળખ વધી હતી. એ પછી વતનમાં પણ તેઓ એકબીજા સાથે સંપર્કમાં હતાં અને મુંબઈ આવ્યા પછી પણ એકબીજાના ટચમાં હતાં. બે મહિના પહેલાં જ પ્રતિમાએ અસ્કર સાથે ધારાવીના એમ. જી. નગરમાં રહેવાનું ચાલુ કર્યું હતું. જોકે થોડા જ વખતમાં અસ્કરને પ્રતિમા પર શંકા જવા લાગી હતી કે તે કોઈ અન્ય સાથે રિલેશનશિપ ધરાવે છે. ૧૮મીની રાતે પણ તેમની વચ્ચે આ જ કારણસર ઝઘડો થયો હતો. અસ્કરને શંકા હતી કે વતનમાં પ્રતિમાનું કોઈ સાથે અફેર છે. એથી ઉશ્કેરાઈને તેણે પ્રતિમાનું ગળું દબાવી દીધું હતું. જોકે તેની હત્યા કર્યા બાદ તેને પોતે શું કરી નાખ્યું એની જાણ થઈ હતી. જોકે એ પછી તેણે પ્રતિમાના મૃતદેહનો કઈ રીતે નિકાલ કરવો એ વિશે વિચાર્યું હતું. તેણે ઘરમાં પડેલી બૅગમાં તેનો મૃતદેહ ભર્યો હતો અને વતન લઈ જઈને એ ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે તે ગામ જવાની ટ્રેન પકડવા લોકમાન્ય ટિળક ટર્મિનસ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં બૅગ સ્કૅનર છે. એટલે પકડાઈ જવાના ડરે તેણે પ્લાન માંડી વાળ્યો હતો અને ત્યાંથી પાછો વળી ગયો હતો. ત્યાંથી તે રિક્ષામાં પાછો ફર્યો અને સીએસટી રોડ પર મેટ્રો સાઇટ પાસે રસ્તા પર બૅરિકેડ્સ મૂકેલાં જોયાં. તેણે રિક્ષા રોકી હતી અને બે બૅરિકેડ્સ વચ્ચે બૅગ ગોઠવીને ત્યાંથી નીકળી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ દિવસ-રાત મહેનતને કરી આખરે તેને ઝડપી લીધો હતો.’
અસ્કર સાયનની એક દુકાનમાં જૉબ કરતો હતો, જ્યારે પ્રતિમા સાયનમાં જ કોઈના ઘરે ઘરકામ કરતી હતી. જોકે એક મહિના પહેલાં જેમને ત્યાં કામ કરતી હતી તેમની સાથે ઝઘડો થતાં તેણે કામ છોડી દીધું હતું.