03 June, 2021 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેહુલ ચોકસી
પંજાબ નૅશનલ બૅન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ ધરાવનાર હીરાબજારના વેપારી મેહુલ ચોકસીને ગઈ કાલે ડૉમિનિકાની કોર્ટમાં હાજર કરાયો હતો. તેના પર ગેરકાયદે ઘૂસણખોરીનો આરોપ છે. ડૉમિનિકા સરકારના વકીલે તેમની સરકાર તરફથી રજૂઆત કરતાં કહ્યું હતું કે મેહુલ ચોકસીને ભારત ડિપૉર્ટ કરી દેવો જોઈએ. બીજું મેહુલ ચોકસીએ કરેલી હૅબિયસ કૉર્પસ (ગેરકાયદે ધરપકડ)ની અરજી પર પણ સુનાવણી ન થવી જોઈએ, એ મેઇન્ટેનેબલ ન હોવાથી એ અરજી રદ કરવામાં આવે.
મેહુલ ચોકસીના વકીલે કહ્યું હતું કે તેનું અપહરણ કરાયું હતું અને તેને બળજબરીથી ડૉમિનિકા લઈ જવાયો હતો. વકીલે વધુમાં એમ પણ કહ્યું હતું કે તેની મારઝૂડ પણ કરાઈ હતી. તેના શરીર પર ઈજાનાં નિશાન પણ દર્શાવ્યાં હતાં.
મેહુલ ચોકસીની પત્ની પ્રીતિએ એક જાણીતા અંગ્રેજી દૈનિકને મુલાકાતમાં કહ્યું હતું કે એક તબક્કે મારા પતિને ડર હતો કે કોઈ તેની હત્યા કરી નાખશે. મેહુલ ચોકસીની પત્નીએ વધુમાં કહ્યું હતું કે મારા પતિને જો ભારત મોકલવામાં આવશે તો ત્યાં તેમના જીવ સામે ખતરો છે.