25 December, 2024 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રાઇવિંગ કરતી વખતે આમલેટની રેસિપી જોઈ રહેલા ઓલા-ડ્રાઇવરનો વિડિયો
ઍપ બેઝ્ડ કૅબ ઓલાના ડ્રાઇવર દ્વારા પૅસેન્જરને લઈ જતી વખતે તે ચાલુ ગાડીએ મોબાઇલ પર આમલેટ બનાવવાની રેસિપી જોઈ રહ્યો હોવાનું પૅસેન્જરના ધ્યાનમાં આવતાં તેણે તેનો વિડિયો બનાવી લીધો હતો અને પછી એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જે થોડા જ સમયમાં વાઇરલ થયો હતો અને નેટિઝનોએ તે ડ્રાઇવર પર અનેક કમેન્ટ કરી હતી.
ડાર્ક નાઇટના નામ સાથે અપલોડ કરાયેલા એ વિડિયો સાથે તેણે ઓલાને ઉદ્દેશીને લખ્યું હતું કે ‘તમારો ડ્રાઇવર ડ્રાઇવ કરતી વખતે આમલેટ કઈ રીતે બનાવવી એની રેસિપી જોઈને અમારી જિંદગી જોખમમાં મૂકી રહ્યો છે. તમારાં સ્કૂટરોમાં તો ઑલરેડી આગ લાગી રહી છે, આ પણ એ જ રીતે સળગી ઊઠે અને રાખ બની જાય એ પહેલાં તમે આ બાબતે પગલાં લેશો એવી મને આશા છે.’